તાપસી પન્નુનું અદાણી ઇલેક્ટ્રિસિટીનું બિલ રૂ. ૩૬૦૦૦
મુંબઈ: એક્ટ્રેસ તાપસી પન્નુએ ટિ્વટર પર વિજળીના બિલમાં થયેલા વધારાની ફરિયાદ કરી છે. તાપસીએ ટિ્વટર પર વિજળીના બિલની તસવીર શેર કરતા લખ્યું કે, કંપનીએ તેને એક મહિના માટે ૩૬ હજાર રૂપિયાનું વિજળી બિલ મોકલ્યુ છે. તાપસીએ મજાક કરતાં લખ્યુ કે, શું તે એવા કોઈ ઉપકરણ લાવી છે, જેનાથી વિજળીનો વધુ વપરાશ થઈ રહ્યો છે?
તાપસીએ ટિ્વટર પર લખ્યું કે, લોકડાઉનના ત્રણ મહિના થયા અને હું વિચારી રહી છું કે, ગત મહિને અપાર્ટમેન્ટમાં હું એવું તો ક્યુ નવું ઉપકરણ લાવી અથવા વપરાશ કર્યો, જેના કારણે વિજળીના બિલમાં વધારો થઈ ગયો. તાપસીએ અદાણી ઇલેક્ટ્રિસિટીને ટેગ કરતા પૂછ્યુ કે, તમે ક્યા આધાર પર બિલ વસૂલ કરી રહ્યા છો ?
તાપસીએ એક બીજા ઘરનું વિજળીનું બિલ પણ શેર કર્યુ, જે ખાલી છે. તાપસીએ તેના પર ટિ્વટર કરતા લખ્યું કે “અને આ બીજા ઘરનું બિલ, જ્યાં કોઈ નથી રહેતુ. અહીં અઠવાડિયામાં ફક્ત એક વાર સફાઈ થાય છે. હું હવે હેરાન છું કે કોઈ મારી જાણકારી બહાર આ ઘરનું ઉપયોગ કરી રહ્યો છે અને તમે આ ખુલાસા કરવામાં અમારી મદદ કરી છે.” તાપસીએ પોતાના બંને ઘરોના વિજળીના બિલની તસવીર શેર કરી છે, જેમાં સ્પષ્ટ દેખાય છે કે એપ્રિલ-મે મહિનામાં વિજળીનું બિલ ઓછું હતું, પરંતુ જૂનમાં તેમાં અચાનક વધારો થયો છે.