તાપીમાં યોજાશે રાષ્ટ્રીય એકતા દિવસ; વ્યારા, સોનગઢ સહિત તાલુકા મથકોએ કાર્યક્રમો યોજાશે
રન ફોર યુનિટી સહિત યુનિફોર્મ દળોની માર્ચ પાષ્ટ તથા રાષ્ટ્રીય એકતા દિવસના શપથ પણ લેવાશે ;
વ્યારા: મંગળવાર:દેશની એકતા, અને અખંડિતતા માટે 562 દેશી રજવાડાઓનું એકત્રીકરણ કરવાનું ભગીરથ કાર્ય સફળતાપૂર્વક પાર પાડનાર, ભારતના પનોતા પુત્ર અને સ્વતંત્ર ભારતની એકતાના શિલ્પી શ્રી સરદાર વલ્લભભાઇ પટેલના જન્મ દિવસ તા.31મી ઓકટોબરને દેશ આખામાં રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરાયું છે. જેના અનુસંધાને તાપી જિલ્લામાં પણ વિવિધ કાર્યક્રમોના સંગાથે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવાનું આયોજન ઘડી કાઢવામાં આવ્યું છે.
આ સંદર્ભે જિલ્લા સેવા સદન ખાતે કાર્યક્રમ આયોજન અંગેની યોજાયેલી એક બેઠકમાં વ્યારાના પ્રાંત અધિકારી તુષાર જાનીએ સંબંધિત અધિકારીઓને તેમની ભૂમિકાનો ખ્યાલ આપતા, જિલ્લાના મુખ્ય વહીવટી મથક વ્યારા અને સોનગઢ સહિત તાલુકા મથકોએ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હોવાનું જણાવ્યુ હતું. કાર્યક્રમના ભાગરૂપે સવારે યોજાનાર રન ફોર યુનિટી સહિત સાંજે ગણવેશધારી દળોના માર્ચ પાષ્ટના કાર્યક્રમો બાબતે ઝીણવટભર્યું માર્ગદર્શન આપતા પ્રાંત અધિકારી,આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનારા વ્યક્તિ વિશેષ, રમતવીરો, મહાનુભાવો, નગરજનો વિગેરે માટેની આનુષાંગિક વ્યવસ્થાઓ બાબતે વિસ્તૃત ચર્ચા હાથ ધરી હતી.
દરમિયાન રન ફોર યુનિટીના વ્યારા અને સોનગઢ ખાતેના કાર્યક્રમ માટે રુટ નક્કી કરવા સાથે, કાર્યક્રમ સ્થળે લેવાનારા એકતાના શપથ ઉપરાંત, સાંજે યોજનારા માર્ચ પાષ્ટના કાર્યક્રમમાં સહભાગી થનારા મહાનુભાવો, વ્યક્તિ વિશેષ, રમતવીરો વિગેરીની હાજરી સુનિશ્ચિત કરવા અંગે પણ ચર્ચા હાથ ધરવામાં આવી હતી.
રાષ્ટ્રીય એકતા દિવસ ઉજવણી અંગેની આ બેઠકમાં જિલ્લા પુરવઠા અધિકારી નૈતિકા પટેલ, સહિત મામલતદારો, ચીફ ઓફિસરો, સંબંધિત અમલીકરણ અધિકારીઓએ ઉપસ્થિત રહી, ચર્ચામાં ભાગ લીધો હતો.