Western Times News

Gujarati News

તાપી જિલ્લાના શ્રમયોગીઓને પ્રધાનમંત્રી માનધન યોજનામાં જોડાવા અનુરોધ

વ્યારા: અસંગઠીત ક્ષેત્ર સાથે સંકળાયેલા શ્રમયોગીઓ જેવા કે ફેરિયા, રિક્ષા ચાલકો, બાંધકામ શ્રમયોગી, કચરો વિણનારા, બીડી કામદારો, ખેત શ્રમિકો, ડ્રાઈવર, દરજી, મોચી, ઘરેલુ કામદારો, સ્વરોજગારી મેળવતા શ્રમયોગીઓ વિગેરેને, વૃદ્ધાવસ્થા દરમિયાન પેન્શનનો લાભ મળી રહે તેવા ઉમદા હેતુથી, ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના અમલમાં મૂકી છે.આવા અસંગઠીત ક્ષેત્ર સાથે સંકળાયેલા શ્રમયોગીઓ કે જેમની માસિક આવક રૂપિયા 15,000 કે તેથી ઓછી હોય, અને ઉમર 18 થી 40 વર્ષ વચ્ચે હોય, તેમને આ યોજનાઓ લાભ મળવાપાત્ર થાય છે.

આ યોજના હેઠળ નોંધાયેલા શ્રમયોગી લાભાર્થીઓને ઉમરના પ્રમાણમા રૂપિયા 55 થી 200 સુધીનો માસિક ફાળો સીધો તેમના બેન્ક એકાઉન્ટમાથી કાપવામાં આવશે. આ ફળની રકમ, લાભાર્થી 60 વર્ષની ઉમરે પહોચે ત્યાં સૂધી દર માસે ભરવાની રહેશે. જેની સામે દર માસે લાભાર્થીના ફાળા જેટલી જ રકમ, ભારત સરકાર દ્વારા પણ લાભાર્થીના ખાતામાં જમા કરાવવામાં આવશે. ત્યાર બાદ લાભાર્થી જ્યારે 60 વર્ષની ઉમર પૂર્ણ કરે ત્યારથી, દર માસે તેને રૂપિયા 3000/- નિશ્ચિત પેન્શન મળવાપાત્ર થશે. પેન્શન શરૂ થયા બાદ જો લાભાર્થી શ્રમયોગીનું અવસાન થાય, તો તેના આશ્રિત પતિ/પત્નીને અડધું, એટલે કે રૂપિયા 1500/- પેન્શન દર માસે મળવાપાત્ર થશે.

આ યોજનાનો લાભ લેવા માટે પાત્રતા ધરાવતા અસંગઠીત ક્ષેત્રના શ્રમયોગીઓએ ફક્ત આધાર કાર્ડ, સેવિંગ બેન્ક કે જનધન બેન્ક ખાતાની વિગતો, વપરાશમાં હોય તે મોબાઈલ ફોન, અને પ્રથમ ફાળાની રકમ સાથે, નજીકના કોમન સર્વિસ સેન્ટર (CSC) ઉપર જવાનું રહેશે. ઉલ્લેખનીય છે કે,NPS, EPF, તથા ESIC નો લાભ લેતા, અને આવક વેરો ભરતા શ્રમયોગીઓ આ યોજના હેઠળ જોડાઈ શકશે નહિ.

પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના હેઠળ અત્યાર સુધીમાં, ગુજરાત રાજયમાં કુલ 3.60 લાખ લાભાર્થીઓ જોડાઈ ચૂક્યા છે. જ્યારે સમગ્ર દેશમાં કુલ 32.68 લાખ શ્રમયોગીઓ આ યોજનાનો લાભ લઈ રહ્યા છે. તાપી જીલ્લામાં પણ આ યોજના હેઠળ વધુમાં વધુ લાભાર્થીઓ જોડાઈને, તેમની વૃદ્ધાવસ્થા માટે નચિંત બને, તેવો અનુરોધ શ્રમ અધિકારીની કચેરી દ્વારા કરાયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.