તાપી જિલ્લાના સખી મંડળોએ ૧,૮૦,૮૮૫ માસ્ક બનાવી રૂપિયા ૧૯,૩૮,૭૨૦ આજીવિકા મેળવી
વ્યારા ; “કોરોના”ના કહેરની કપરી ઘડીમા સંવેદનશીલ રાજ્ય સરકાર અને વહીવટી તંત્રની સાથે જુદા-જુદા ક્ષેત્રો, ખભેખભા મીલાવીને તેમનુ યોગદાન આપી રહ્યા છે. ત્યારે મહીલા સશક્તિકરણના ઉચ્ચતમ ધ્યેય સાથે કાર્યરત કરાયેલ તાપી જિલ્લાના ગ્રામીણ મહીલા સખી મંડળો પણ માસ્ક તૈયાર કરીને આ કપરા સમયમા જરૂરીયાત મંદોની વહારે આવ્યા છે.
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી જે.જે.નિનામા તરફથી મળેલ વિગતો અનુસાર તાપી જિલ્લામા મિશન મંગલમ યોજના અંતર્ગત કાર્યરત સખી મંડળો પૈકી ૪૩ સખી મંડળો દ્રારા માસ્ક બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમના દ્વારા કુલ ૧,૮૦,૮૮૫ માસ્ક તૈયાર કરી, આ માસ્કના વેચણ થકી કુલ રૂપિયા ૧૯,૩૮,૭૨૦ આવક મેળવવામાં આવી છે. જિલ્લાની કુલ ૬૬ ગ્રામ પંચાયતોમા આ માસ્કનુ વિતરણ કરી, એમ.જી.નરેગા યોજનાના ૮૦૦૦ જેટલા શ્રમીકોને સખી મંડળો દ્રારા બનાવેલ આ માસ્કનુ વિતરણ કરવામા આવ્યુ છે.
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ચેરમેન-વ-જિલ્લા વિકાસ અધિકારીશ્રી કુ.નેહા સિંહના માર્ગદર્શન હેઠળ તાપી જિલ્લાના સખી મંડળો દ્રારા યુધ્ધના ધોરણે માસ્ક બનાવવામા આવ્યા, અને જરૂરીયાતમંદોને સમયસર તેનું વિતરણ કરવામા આવ્યું. જિલ્લા કલેક્ટર શ્રી આર.જે.હાલાણીએ સખી મંડળના આ પ્રયાસને બિરદાવી, તેમને આજીવિકા મેળવવા સાથે, પ્રશાસનને ઉપયોગી થવા બદલ અભિનંદન પાઠવ્યા છે.