Western Times News

Gujarati News

તાપી જિલ્લાની “મીરેકલ બેબી” સરકારના “ઇન્ફન્ટ સર્વાઇવલ” નું શ્રેષ્ઠ ઉદાહરણ

અધુરા માસે જન્મેલી ૭૦૦ ગ્રામની બાળકીને ૫૯ દિવસની સઘન સારવાર બાદ નવજીવન આપતા વ્યારાની જનરલ હોસ્પિટલના તબીબો

ડોક્ટરને લોકો પૃથ્વી પરના ભગવાન કહે છે તે ખરેખર સાચુ જ છે: ટીનાબેન ગામીત

“જનની શીશુ સુરક્ષા યોજના” હેઠળ મહિલાના ગર્ભધારણથી લઇ બાળક જન્મે ત્યાં સુધીને દરેક સારવાર વિના મૂલ્યે

અમદાવાદ : તાપી જિલ્લાની “મીરેકલ બેબી” સરકારના “ઇન્ફન્ટ સર્વાઇવલ” ના વિધાનને સાચુ પાડતી શ્રેષ્ઠ ઉદાહરણ છે. સરકારના “ઇન્ફન્ટ સર્વાઇવલ”-અભિયાન જેમાં દેશના કોઇ પણ ખૂણામાં નવજાત બાળકનુ મૃત્યુ ન થાય તે ધ્યેયને સિધ્ધ કરવા બનતા તમામ પ્રયાસો મેડીકલ ટીમ દ્વારા કરવામાં આવે છે. જેનું ઉત્તમ ઉદાહરણ તાપી જિલ્લામાં વ્યારાની જનરલ હોસ્પિટલના તબીબોએ પુરુ પાડ્યુ છે.

તાપી જિલ્લામાં સોનગઢ તાલુકાના મોઘવણ ગામના વતની ટીનાબેન હાર્દિકભાઇ ગામીત ૨૬ અઠવાડિયા એટલે કે ૬ મહિનાનો ગર્ભ ધરાવતા હતા. અચાનક ગર્ભાશયનો અત્યંત દુખાવો ઉપડતા વ્યારાની જનક હોસ્પિટલ ખાતે તારીખ ૨૧ મે-૨૦૨૦ના રોજ દાખલ કરવામાં આવ્યા હતા. જ્યા ડોકટર ડો.દિપક ગામીત, ડો.બીનીતા સુરતી, ડો.શકુંતલા અરોરા અને નર્સિંગ સ્ટાફની ટીમો દ્વારા તેમની તપાસ કરવામાં આવી હતી. ડોક્ટરના જણાવ્યાનુસાર અધુરા માસે ગર્ભાશયનો દુ:ખાવો ઉપડતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

તે દિવસે સાંજે ફક્ત ૭૦૦ ગ્રામ વજન ધરાવતી બાળકીને ટીનાબેને જન્મ આપ્યો. અધુરા માસે જન્મેલ હોવાના કારણે ડોક્ટરો સાથે માતા-પિતા પણ આ બાબતની ગંભીરતા સમજતા હતા. પરંતુ એક સાચા રાહબરીની જેમ ડોક્ટરો અને નર્સની ટીમ દ્વારા માતા-પિતાને આશ્વાસન સાથે હિંમત આપી કે આપની બાળકીને કાંઈ ના થાય.

અધુરા મહિને જન્મતા નવજાતના ફેફ્સાં મજબૂત નથી હોતા જેના કારણે બાળકને શ્વાસ લેવામાં તકલીફ થતી હોય છે. ક્યારેક બાળક મંદબુદ્ધિ, રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોવી કે આંખના અંધપાનો પણ શિકાર બને છે. તેથી બાળકને વેન્ટિલેટર દ્વારા શ્વાસ લેવામાં મદદ કરવામાં આવે છે. આ સાથે સારવાર દરમિયાન હોસ્પિટલમાં ઉપલબ્ધ આધુનિક સાધનો, યોગ્ય દવાઓ અને જરૂરી ઇન્જેકશન પણ આપવા પડે છે.

જનરલ હોસ્પિટલના બાળ નિષ્ણાંત તબીબો, નિવાસી તબીબો તેમજ નર્સિંગ સ્ટાફે આ બાળકીને ૫૯ દિવસ સુધી સઘન સારવાર આપી નવજીવન આપવામાં સફળતા મેળવી છે. આજે આ બાળકી ૧ વર્ષની થઇ ગઇ છે. જે માનસિક અને શારીરિક રીતે સંપૂર્ણપણે સ્વસ્થ છે. ૭૦૦ ગ્રામની જન્મેલી બાળકી આજે આઠ કીલો વજન ધરાવે છે.

સારવાર દરમિયાન ખરેખર એક ચમત્કાર જેવી પરિસ્થિતિ થતા હોસ્પિટલના ડોકટરો અને નર્સ દ્વારા “મીરેકલ બેબી”નું હુલામણુ નામ પાડવામાં આવ્યુ હતું. બાળકને તંદુરસ્ત બનાવવા મેડીકલ ટીમ દ્વારા મળેલી સારસંભાળ અને લાગણીની હુંફ માતાપિતાના હ્દયને સ્પર્શી જતા બાળકીનુ નામ- મીરેકલ ગામીત રાખ્યું હતું.

ટીનાબહેને સસ્મિત આંખોમાં ખુશીના આંસુ અને હ્રદયમાં તબીબો માટે સમ્માન સાથે જણાવ્યું હતું કે, ડોકટરોને લોકો ભગવાન કહે છે તે ખરેખર સાચુ છે.

આવો ચમત્કાર તો ભગવાન જ કરી શકે. જન્મ સમયે અને ત્યાર બાદ પુરા ૧ વર્ષ સુધી દર મહિને ચેકઅક દ્વારા દિકરીના વજનથી લઇ અન્ય તમામ બાબતોની ખાસ કાળજી લીધી છે. આ ઉપરાંત દિકરીની સંભાળ કઇ રીતે રાખવાની તેના માટે અવાર-નવાર સલાહ સુચનો મળતા રહયા છે. મારી દિકરી આજે તંદુરસ્ત છે તેનુ કારણ ડોકટરો દ્વારા લેવાયેલ સમયસરની કાળજી છે. આ માટે હું ડોકટરોની ટીમનો અને હોસ્પિટલમાં મળેલી સુવિધા માટે રાજ્ય સરકારની આજીવન આભારી રહીશ.”

આ કિસ્સાને યાદ કરતા ડો.બીનિતા સુરતી જણાવે છે કે, “ તાપી જિલ્લામાં અધુરા માસે જન્મતા બાળકોના કિસ્સા બનવાનુ મુખ્ય કારણ મહિલાઓમાં કુપોષણ, ઓછી ઉંમરે ગર્ભધારણ અને શિક્ષણનો અભાવ છે. સરકાર તમામ સુવિધાઓ આપે તે સરાહનીય બાબત છે પરંતુ મહિલાઓએ સ્વંય જાગૃત બની પોતાના શરીરની કાળજી લઇ સ્વસ્થ બનવું જોઇએ. અને ત્યાર બાદ જ ગર્ભ ધારણ કરવું જોઇએ”

અધુરા માસે જન્મતા શિશુની યોગ્ય સારવારથી બચાવી શકાય છે. પરંતુ આ સારવાર ખુબજ ખર્ચાળ હોય છે. આવા સંજોગોમાં કેન્દ્ર અને ગુજરાત સરકર દ્વારા જનની શીશુ સુરક્ષા યોજના કાર્યરત છે. જેમાં વિના મૂલ્યે આ સારવાર ઉપ્લબ્ધ કરાવવામાં આવે છે.

આ યોજના હેઠળ મહિલાના ગર્ભધારણથી લઇ બાળક જન્મે ત્યા સુધીની દરેક સારવાર જેમા પ્રસુતિનો ખર્ચ, દવા, ઇન્જેક્શન, એમ્બ્યુલન્સમાં લાવવા-લઇ જવાનો ખર્ચ, સોનોગ્રાફી, વેન્ટિલેટર વગેરે વિના મૂલ્યે આપવામાં આવે છે.
તાપી જિલ્લાના તબીબો “ધરતી ઉપરના ભગવાન”ની ભૂમિકા શ્રેષ્ઠરૂપે ભજવી રહ્યા છે. કોરોનાકાળ હોય કે અન્ય ગંભીર પરિસ્થિતિ દરેક બાબતમાં પોતાની સેવાભાવના દ્વારા જિલ્લાનું નામ ઉજાગર કરી રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.