તાપી જિલ્લાની સસ્તા અનાજની દુકાનો તથા પુરવઠા નિગમના ગોડાઉનોને સેનેટાઇઝ કરાયા
સંચાલકો સહિત ગ્રાહકોને “આરોગ્ય સેતુ” મોબાઈલ એપ ડાઉનલોડ કરવા પણ પ્રોત્સાહિત કરાયા
વ્યારા: તાપી જિલ્લાના સાતેય તાલુકાઓમા કાર્યરત કુલ ૨૪૨ જેટલા પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર (સસ્તા અનાજની દુકાનો) ને સંપૂર્ણ સેનેટાઇઝ કરવા સાથે, દુકાનના સંચાલકો તથા ગ્રાહકોને ફરજિયાત “આરોગ્ય સેતુ” મોબાઈલ એપ ડાઉનલોડ કરી, તેનો નિયમિત ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરાયા છે.
જિલ્લા પુરવઠા અધિકારી નૈતિકા પટેલના જણાવ્યા અનુસાર, આ તમામ દુકાનો ઉપર સોશિયલ ડિસ્ટનસિંગના ફરજિયાત પાલન સાથે, અહીં દુકાનદારોને હેન્ડ ગ્લોવ્ઝનો ઉપયોગ, તથા સેનેટાઇઝરના ઉપયોગ બાબતે સમજ અને માર્ગદર્શન આપવામાં આવ્યુ છે.
આ ઉપરાંત જિલ્લામાં આવેલા પુરવઠા નિગમના તમામે તમામ છ જેટલા ગોડાઉનોને પણ સંપૂર્ણ સેનેટાઇઝ કરીને, અહીં ફરજ બજાવતા કર્મચારીઓ સહિત કામદારોનું પણ તબીબી પરીક્ષણ કરાવાયુ છે.
જિલ્લા કલેકટર શ્રી આર.જે.હાલાણીના માર્ગદર્શન હેઠળ તમામે તમામ દુકાનો ઉપર “કોરોના”ના સંક્રમણને અટકાવવા માટેના જરૂરી પગલાઓ સાથે, રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ હેઠળના વિનામૂલ્યે અનાજનું વિતરણ કરવામાં આવી રહ્યું છે, તેમ પણ નૈતિકા પટેલે વધુમાં જણાવ્યું છે.