તામિલનાડુમાં ઘરોમાં પાણી જ પાણીઃ ભારે વરસાદને લીધે કેરળમાં જનજીવન ઠપ
નવીદિલ્હી, તામિલનાડુ અને કેરળમાં સોમવારે ભારે વરસાદથી ઠેકઠેકાણે પાણી ભરાયાં હતાં અને પૂર જેવી પરિસ્થિતિ સર્જાઇ હતી. આગમચેતી રૂપે આજે મંગળવારે સ્કૂલ કાલેજો બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી. જનજીવન ઠપ થઇ ગયું હતું. સૌથી વધુ ખરાબ સ્થિતિ તામિલનાડુ અને નોર્થ કર્ણાટકની હતી. તામિલનાડુના રામનાથપુરમ વિસ્તારમાં સડકો પર ભરાયેલાં પાણી ઘરોમાં ઘુસી ગયા્ં હતાં. આમ તો દક્ષિણનાં રાજયોમાં બે ચોમાસાં હોય છે એટલે ફરી વરસાદ આવ્યો એની લોકોને કોઇ નવાઇ નહોતી લાગી પરંતુ છેલ્લા ચોવીસ કલાકમાં મૂશળધાર વરસાદે કાળો કેર વર્તાવી દીધો હતો. ૧૫ ઓકટોબરથી ચોમાસાએ વિદાય લીધી હતી પરંતુ અચાનક ફરી રવિવારે વાતાવરણ બદલાયું હતું અને રવિવાર સાંજથી ભારે વરસાદ શરૂ થઇ ગયો હતો. હવામાન ખાતાએ કરેલી આગાહી મુજબ આગામી ચાર પાંચ દિવસ આ વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શકયતા હતી.