તામિલનાડુમાં વરસાદથી મકાન ધસી પડતાં ૯નાં મોત
નવી દિલ્હી, તમિલનાડુના વેલ્લોર જિલ્લામાં ભારે વરસાદના કારણે એક મકાન ધસી પડવાની ઘટના બની હતી. આ દુર્ઘટનામાં ૪ બાળકો સહિત ૯ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. રાજ્યના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને કુદરતી હોનારતમાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને ૫-૫ લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે. તમિલનાડુમાં પહેલી ઓક્ટોબરથી શરૂ થયેલા ઉત્તર-પૂર્વીય ચોમાસાના કારણે અત્યાર સુધીમાં સામાન્ય કરતા ૬૧ ટકા વધારે વરસાદ નોંધાયો છે.
જ્યારે ઉત્તરી તમિલનાડુના જિલ્લાઓ સહિત રાજ્યના અનેક ક્ષેત્રોમાં વરસાદ ચાલુ છે. આ તરફ બંગાળની ખાડી પર સર્જાયેલું ઓછા દબાણનું ક્ષેત્ર શુક્રવારે સવારે તમિલનાડુ અને આંધ્ર પ્રદેશની વચ્ચેના તટને પાર કરી ગયું હતું.
ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગ (આઈએમડી)ના અહેવાલ પ્રમાણે ઓછા દબાણનું ક્ષેત્ર ચેન્નાઈ અને પુડુચેરીની વચ્ચેના તટને પાર કરી ગયું.
આઈએમડીએ ટિ્વટમાં લખ્યું હતું કે, દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી ઉપર બનેલું ઓછા દબાણનું ક્ષેત્ર ઉત્તર-પશ્ચિમ તરફ વધી ગયું. ૧૯ નવેમ્બરના રોજ વહેલી સવારે ૩-૪ કલાકે પુડુચેરી અને ચેન્નાઈ વચ્ચે ઉત્તરી તમિલનાડુ અને દક્ષિણ આંધ્ર પ્રદેશની આસપાસના તટોને પાર કરી ગયું.
તાજેતરમાં ચેન્નાઈ અને તમિલનાડુના અન્ય ઉત્તરી ક્ષેત્રોમાં ભારે વરસાદના કારણે અત્યાર સુધીમાં ૧૪ લોકોના મોત થયા છે. ખાસ કરીને ચેન્નાઈમાં વરસાદનું પાણી ઘર, હોસ્પિટલ અને શાળાઓમાં ઘૂસી ગયું હતું.SSS