તામિલનાડુમાં હાથી પર સળગતું કપડું ફેંક્યું, માનવતા વિહોણા કાર્યની ચોમેર નિંદા
ચેન્નાઇ, છેલ્લા થોડા સમયથી માણસમાં રહેલી પશુતા જુદી જુદી રીતે બહાર આવતી જોવા મળી છે. તાજેતરમાં તામિલનાડુના નીલગિરિ જિલ્લામાં એક હાથી પર કોઇ પૂર્વ ઉશ્કેરણી વિના સળગતું કપડું નાખવામાં આવ્યું હતું.
હાથી ખરાબ રીતે દાઝ્યો હતો અને રિબાઇ રિબાઇને મૃત્યુ પામ્યો હતો. તામિલનાડુના વન ખાતાના અધિકારીઓએ કહ્યું કે કદાચ ભૂખ લાગી હોવાના કારણે હાથી એક રિસોર્ટમાં પ્રવેશ્યો હતો. એને હાંકી કાઢવા માટે એના પર સળગતું કપડું નાખવામાં આવ્યું હતું.
નીલગિરિ જિલ્લાના મસીનાગુડી વિસ્તારમાં આ રાક્ષસી ઘટના બની હતી. મસીનાગુડી એક હિલ સ્ટેશન છે અને અહીં સંખ્યાબંધ ટુરિસ્ટ રિસોર્ટ આવેલા છે. એવા એક રિસોર્ટમાં જંગલનો હાથી પ્રવેશી ગયો હતો. એને કાઢવા માટે પહેલાં લોકોએ મશાલથી એને ડરાવવાની કોશિશ કરી હતી. આથી હાથી ત્યાંથી નીકળી રહ્યો હતો. એ જઇ રહ્યો હતો એવું જોયા પછી પણ એક વ્યક્તિએ એના પર સળગતું કપડું નાખ્યું હતું. હાથી દાઝી ગયો હતો અને દર્દનો માર્યો ચીસો પાડવા માંડ્યો હતો.
એ જંગલ તરફ પાછો ફરી રહ્યો હતો પરંતુ એનું શરીર સળગી ઊઠ્યું હતું. આગ વધતી ગઇ હતી. વન ખાતાના અધિકારીઓએ ડૉક્ટરની મદદથી એને બચાવી લેવાના પ્રયાસો કર્યા હતા પરંતુ એને બચાવી શકાયો નહોતો.
આ ઘટનાની વિડિયો ક્લીપ સોશ્યલ મિડિયા પર વન વિભાગે મૂકી હતી જે વાઇરલ થઇ હતી. પોલીસે આ ઘટનામાં સંડોવાયેલા મનાતા બે જણની ધરપકડ કરી હતી. આ ઘટના શુક્રવારે 22 જાન્યુઆરીએ બની હતી એમ પોલીસે કહ્યું હતું.
છેલ્લા થોડા સમયથી આ પ્રકારની ઘટનાઓ વધી રહી હતી. થોડા સમય પહેલાં બેંગાલુરુમાં એક સ્ટ્રે કૂતરા પર એસિડ રેડવામાં આવ્યો હતો અને એ કૂતરો ચીસો પાડતો પાડતો જમીન પર આળોટી રહ્યો હતો ત્યારે એસિડ નાખનારા ખડખડાટ હસી રહ્યા હતા. આ કૂતરો પણ રિબાઇ રિબાઇને મરણ પામ્યો હતો.