તારક…ઉલ્ટા ચશ્માનો અભિનેતા પ્રશાંત બજાજ અકસ્માતમાંથી માંડ માંડ બચ્યો
નવીદિલ્હી, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા દરેક ઘરમાં પસંદ કરવામાં આવતો શો છે. આ શો છેલ્લા ૧૩ વર્ષથી લોકોનું મનોરંજન કરી રહ્યો છે. આ શોના તમામ કલાકારોએ લોકોના હ્રદયમાં ખાસ જગ્યા બનાવી છે. કલાકારો સોશિયલ મીડિયા ઉપર પણ ખુબ એક્ટિવ રહે છે. આ શો સંલગ્ન એક મહત્વની જાણકારી સામે આવી છે. શોમાં કામ કરી ચૂકેલા એક કલાકારનો અકસ્માત થયો છે.
આયુષ્યમાન ભવ અને તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનો અભિનેતા પ્રશાંત બજાજ અકસ્માતમાંથી માંડ માંડ બચ્યો. હાલમાં જ મુંબઈના એમટીએનએલ જંકશન પર તેમની કાર દુર્ઘટનાગ્રસ્ત થઈ. પ્રશાંતની કારને ટક્કર મારનાર એક ઓટો રિક્ષાચાલક વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરાઈ. કાર પણ આગળથી ખુબ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થઈ હતી.
પ્રશાંતે કહ્યું કે હું આ અકસ્માતમાં બચવા બદલ ભગવાનનો આભાર નથી માની શકતો. શરૂઆતમાં તે ભયાનક લાગતું હતું. મને લાગ્યું કે જાણે મે મારો એક પગ ગુમાવી દીધો. હું સુન્ન થઈ ગયો હતો પરંતુ ત્યારે લોકો ત્યાં હતા અને હું સુરક્ષિત ઘરે પાછો ફરી શકું તેમ હતો. અમે એક એફઆઈઆર દાખલ કરાવી છે. પ્રશાંતની કાર આગળથી ખુબ ડેમેજ થઈ છે. તેણે કહ્યું કે મને ટક્કર મારનારો ઓટો રિક્ષા ચાલક પણ સુરક્ષિત છે અને તેના માટે આભાર, પ્રેમ અને સમર્થન માટે મારા તમામ પ્રશંસકોનો ખુબ ખુબ આભાર અને સુરક્ષિત રહો.
અત્રે જણાવવાનું કે થોડા દિવસ પહેલા કોઈ મિલ ગયા ફેમ રજત બેદીની કારનો પણ અકસ્માત થયો હતો. રજતની કારે એક વ્યક્તિને ટક્કર મારી હતી. બે દિવસ સુધી વ્યક્તિની હાલત ગંભીર રહ્યા બાદ તેનું નિધન થયું.HS