તારા કર્મોથી બાળકો મર્યાનું કહી મહિલા પર અત્યાચાર
અમદાવાદ: અમદાવાદ શહેરના મહિલા પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધાઇ છે. એક પરિણીતાએ તેના સાસરિયાઓ સામે જ ફરીયાદ નોંધાવી છે. પરિણીતાએ આક્ષેપ કર્યો છે કે, લગ્ન બાદ જ્યારે તેને પ્રેગનેન્સી રહી અને બાદમાં અધૂરા મહિને બે બાળકોનો જન્મ થયો હતો પણ ૨૪ કલાકમાં મૃત્યુ પામતા સાસરિયાઓનો સ્વભાવ બદલાઈ ગયો અને ત્રાસ આપવા લાગ્યા હતા. યુવતીની સાસુ અનેકવાર કહેતી કે, ‘તારા કર્મો જ એવા છે એટલે જ બાળકો મરી ગયા. પતિ કોરોનાનું બહાનું કરી પત્નીને તેડી જતો ન હતો.
આટલું જ નહીં પરિણીતાએ ૧૮૧ હેલ્પલાઈનનો સંપર્ક કર્યો તો ટીમને આ યુવતીના પતિએ રાગ નહિ આવે તેમ કહી સાથે ન રહેવા કહેતા આખરે પરિણીતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. વટવામાં રહેતી ૨૩ વર્ષીય યુવતી તેના માતા, પિતા, ભાઈ સાથે રહે છે. તેણે નવ ધોરણ સુધી અભ્યાસ કર્યો છે અને વર્ષ ૨૦૧૮માં તેના લગ્ન ખેડા ખાતે થયા હતા. તેના સાસરે પતિ, દિયર, સાસુ સસરા સાથે તે લગ્ન બાદ રહેવા ગઈ હતી.
વર્ષ ૨૦૧૯માં અધૂરા માસે જ આ યુવતીએ બે બાળકોને જન્મ આપ્યો હતો. જાેકે, ૨૪ કલાકમાં આ બાળકોનું મૃત્યુ થયું હતું. ત્યારબાદ આ યુવતી ચારેક માસ તેના પિયરમાં રોકાઈ હતી. પિયરથી પરત આવ્યા બાદ આ યુવતીના સાસરિયાઓનું વર્તન બદલાઈ ગયું હતું અને નાની નાની વાતોમાં ઝગડા કરવા લાગ્યા હતા. આ યુવતી તેના પતિને કાંઈ કહે તો તે તેની માતા અને ભાઈનું ઉપરાણું લેતો અને તે જ કંઈ કર્યું હશે,
મારી મા અને ભાઈ કંઈ કરે એમ નથી કહીને ત્રાસ આપતો હતો. આટલું જ નહીં યુવતીની સાસુ તેને મહેણાં મારતી કે તારા કર્મો જ એવા છે એટલે જ બે બાળકો મરી ગયા હતા. આ યુવતીની નાની સાસુ જ્યારે પણ આવે ત્યારે આ યુવતીને ત્રાસ આપતા અને કહેતા કે, આ ઘર તેમની દીકરીને આપ્યું છે તે કહે તેમ કરવાનું અને ના કરવું હોય તો નીકળી જવાનું. અનેકવાર આ યુવતીને સાસરિયાઓએ કાઢી પણ મૂકી હતી
યુવતીને કાઢી મૂકતા તે ક્યાં જાય તેવું પૂછતાં સાસરિયાઓ કહેતા અમે કંટાળી ગયા છે તને નથી રાખવી. એકવાર આ યુવતી અમદાવાદ આવી અને બાદમાં પરત જવા માટે પતિને ફોન કર્યો તો કહ્યું કે, હાલ કોરોના ચાલુ છે તું ના આવતી. બાદમાં તેડી ન જતા આ યુવતીના પતિએ તેના પિતાને લઈ આવવાનું કહી યુવતીના પિતાને જમાઈએ કહ્યું કે, તેની સાથે રાગ આવશે નહિ અને મારે રહેવું નથી. આખરે આ યુવતીએ ૧૮૧ અભયમ હેલ્પલાઈનનો સંપર્ક કરતા હેલ્પલાઇનની ટીમના સભ્યએ યુવતીના પતિને ફોન કરતા રાગ આવશે નહિ રાખવી નથી તેમ કહેતા આખરે મહિલા પોલીસને ફરિયાદ આપતા પોલીસે યુવતીના સાસરિયાઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.