તારા પિતાએ કંઈ આપ્યું નથી કહી મહિલાને પતિના પરિવાર દ્વારા ત્રાસ અપાયો

અમદાવાદ: શહેરમાં જે પ્રકારે ઘરેલુ હિંસાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે, તે જોતાં એમ લાગી રહ્યું છે કે હજી પણ કેટલાક લોકો દહેજના દાનવો બનીને મહિલાને ત્રાસ આપી રહ્યા છે. છેલ્લા કેટલાક સમય માં દહેજને લઇ ને મહિલાને આપવામાં આવતા શારીરિક અને માનસિક ત્રાસની અનેક ફરિયાદો નોંધાવા પામી છે. ત્યારે વધુ એક બનાવ શહેરના અમરાઈવાડી વિસ્તારમાં જોવા મળ્યો છે. આ કિસ્સામાં મહિલાને પિતાની આર્થિક સ્થિતિના નામે સાસુ-સસરા અને નણંદ મહેણા ટોણાં મારતા હતા.
![]() |
![]() |
ઉપરાંત સસરાએ માર માર્યો હોવાનો પણ આક્ષેપ છે. અમરાઈવાડી વિસ્તારમાં રહેતી એક મહિલાએ પોલીસ ફરિયાદ આપી છે કે લગ્નનાં બે વર્ષ બાદ તેના સાસરીયા નાની નાની બાબતો માં તેનો વાંક કાઢી ઝઘડો કરતા અને તેનો પતિ તેને અવાર નવાર માનસિક ત્રાસ આપતા હતા. એટલું જ નહિ તેના સાસુ સસરા અને નણંદ વારંવાર મેણા ટોણા આ મારતા હતા કે તું ગરીબ ઘરમાંથી આવે છે તારા મા-બાપ એ તને દહેજમાં કશું આપેલ નથી. જો મારા દીકરાના લગ્ન બીજે ક્યાંક થયા હોત રૂપિયા ૧૦ લાખ દહેજ ના આવત.
તેમ કહીને પરણિતાના પિતાના ત્યાં થી દહેજ લાવવા માટે વારંવાર કહેતા હતા. જ્યારે ૭મી સપ્ટેમ્બરે બપોરના સમયે ફરિયાદનો દીકરો રહ્યો હતો તે દરમિયાન પણ તેના સાસુ-સસરા અને નણંદ એ તેની સાથે બોલાચાલી કરી ત્યાં સસરાએ તને બાળકો સંભાળતા આવડતું નથી તેમ કહીને બે-ત્રણ લાફા મારી દીધા હતા. ફરિયાદીએ એ આ બાબતની જાણ તેના પિતાને કરતા તેના પિતા અને ભાઈ તેમના ઘરે આવ્યા હતા. જોકે ફરિયાદીના સાસરિયાઓએ તેની સાથે ઝઘડો કરીને ફરિયાદીને પુત્ર સાથે ઘરની બહાર કાઢી મુકતા ફરિયાદીએ પોલીસને આ સમગ્ર મામલાની જાણ કરી હતી.
હાલમાં પોલીસે આ સમગ્ર મામલે મહિલાના પતિ અને સાસરિયાં વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદ શહેરમાં વર્તમાન સમયમાં જ દહેજનો એક હાઇપ્રોફાઇલ કેસ ચાલી રહ્યો છે. શહેરના પોપ્યુલર બિલ્ડરના કેસમાં પુત્રવધુને ત્રાસ અને રૂપિયાની લેતી-દેતીના મામલે જ્યારે કરોડોપતિ પરિવાર પણ વિવાદની એરણે આવી ગયું હોય ત્યારે એક બાબત સાબિત થાય છે કે દહેજ એ આપણા સમાજને ઉધઈની જેમ કોરી ખાઈ રહેલી સમસ્યા છે. આ કિસ્સામાં મહિલાને અસહ્ય ત્રાસ થતા તેણે ફરિયાદ નોંધાવી હોવાની વિગતો સપાટી પર આવી રહી છે.