તારે બીજા સાથે અફેર છે તો એને લઈને ભાગી જા : પતિ
અમદાવાદ: અમદાવાદ ઃ પ્રેમી પ્રેમિકા વચ્ચે અણબનાવ તો થતા હોય છે અને તેના કિસ્સા પણ સાંભળવા મળતા હોય છે. પ્રેમી પ્રેમિકા પર વ્હેમાયતો પ્રેમિકા પ્રેમી પર વ્હેમાતી હોવાના કિસ્સા પણ જોવા મળતા હોય છે. પણ અમદાવાદમાં પતિ પત્નીનો એક એવો કિસ્સો સામે આવ્યો છે જે, સાંભળીને પોલીસ પણ મૂંઝવણમાં મુકાઈ હતી. પતિ પત્ની વચ્ચે અણબનાવ ચાલતા રહેતા હતા તેવામાં શંકાશીલ પતિએ પત્ની પર શંકા રાખી તેને જ પ્રેમી સાથે જતા રહેવાનું કહ્યું હતું. જોકે, પત્નીએ પતિનું અન્ય સ્ત્રી સાથેનું લફરું પકડ્યું હોવાથી પતિ આવું બોલ્યો હતો.
સમગ્ર મામલે મહિલાએ પતિ સામે ફરિયાદ આપતા પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે. અમરાઈવાડીમાં રહેતી ૪૦ વર્ષીય મહિલા સિલાઈ કામ કરે છે. આ મહિલાના વર્ષ ૧૯૯૫માં લગ્ન થયા હતા અને તેના પરિવારમાં પતિ અને ત્રણ પુત્રીઓ છે. જેમાંથી એક મોટી પુત્રીના લગ્ન થઇ ગયા છે.
જ્યારે આ મહિલાને બીજી પુત્રી જન્મી ત્યારે પતિએ પુત્ર જોઈતો હતો તેમ કહી મહેણાં માર્યા હતા. થોડા સમય પહેલા પુત્રીના લગ્ન થયા ત્યારે મહિલાના પિયરમાંથી કોઈએ મામેરું કર્યું ન હતું. જેથી મહિલાનો પતિ અવાર નવાર કહેતો કે, તારી સાથે લગ્ન કર્યા એના કરતા બીજી કોઈ સ્ત્રી સાથે લગ્ન કર્યા હોત તો ઘરમાં બહુ બધું આવતું.
જોકે, પુત્રીઓ રખડી ના પડે તે માટે મહિલા આ ત્રાસ સહન કરતી હતી. ઘરમાં ન રાખવા માટે કહીને મહિલાનો પતિ શંકા રાખતો અને જેની સાથે અફેર હોય એની સાથે ભાગી જા તેવું પણ કહેતો હતો. એકાદ અઠવાડિયા પહેલા જ્યારે પતિનો ફોન આ મહિલાએ જોયો તો તેમાંથી અન્ય સ્ત્રી સાથે તેના પતિના સબંધ હોવાના પુરાવા મળ્યા હતા. જેથી આ મહિલાએ પતિને આ વાત કરતા તે આવેશમાં આવી ગયો હતો. આખરે કંટાળીને મહિલાએ તેના પતિ સામે ફરિયાદ આપતા અમરાઈવાડી પોલીસે આ મામલે આઇપીસી ૪૯૮(છ) મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.