તાલિબાનના વિજયમાં પાક.ની ભૂમિકા તપાસવા અમેરિકન સંસદમાં બીલ રજૂ
વોશિંગ્ટન, અફઘાનિસ્તાનમાં એક પખવાડિયા જેટલા ટૂંકા સમયમાં તાલિબાનોએ અબ્દુલ ગની સરકારને ફગાવીને કરેલા વિજયમાં પાકિસ્તાનની ભૂમિકાની તપાસ કરાવવા માટે અમેરિકાના રિપબ્લિકન સેનેટરોએ માગણી કરી છે.
આ માટે તેમણે અમેરિકન સંસદના ઉપલા ગૃહ સેનેટમાં એક બીલ રજૂ કર્યું હતું. આ બીલમાં બાઈડન સરકારને અફઘાનિસ્તાનમાં તાલિબાનોના ત્વરિત વિજયની ગંભીરતાપૂર્વક તપાસ કરવા અને અશરફ ગની સરકારને હટાવવામાં મદદ કરનારા લોકો પર પ્રતિબંધ મૂકવાની માગણી કરાઈ છે.
પાકિસ્તાનના જિયો ટીવીના રિપોર્ટ મુજબ અમેરિકન રિપબ્લિકન સેનેટરોએ રજૂ કરેલા બિલમાં છેક વર્ષ ૨૦૦૧થી લઈને ૨૦૨૦ દરમિયાન તાલિબાનોને ટેકો આપનારા પાકિસ્તાન સહિત સરકાર સમર્થિત અને અન્ય તત્વોના મૂલ્યાંકનની માગણી કરાઈ છે. આ બીલમાં તાલિબાનોને સલામત આશ્રય, નાણાં, ગુપ્ત સમર્થન, તાલિમ, સૈન્ય શસ્ત્ર સરંજામ અને વ્યૂહાત્મક દિશા-નિર્દેશ પૂરા પાડવાના દૃષ્ટિકોણની તપાસ થવી જાેઈએ.
વધુમાં આ બીલમાં અફઘાનિસ્તાનમાંથી અમેરિકન સૈન્યને ઉતાવળે પાછું બોલાવવાના ર્નિણય અંગે બાઈડેન સરકાર પાસેથી જવાબ માગવામાં આવ્યો છે. બીલમાં એવી પણ માગણી કરાઈ છે કે અફઘાનિસ્તાન તાલિબાનોના નિયંત્રણમાં આવ્યું તે પહેલાં અને તે પછી પાકિસ્તાનની ભૂમિકાની સ્વતંત્ર તપાસ થવી જાેઈએ.
ઑગસ્ટના મધ્યમાં કાબુલ પર નિયંત્રણ કરવામાં તાલિબાનોને કોણે મદદ કરી હતી અને પંજશીર ઘાટીમાં તાલિબાનના હુમલા અંગે પણ પાકિસ્તાનની ભૂમિકાની તપાસ કરાવવાની માગણી કરાઈ છે.
દરમિયાન અમેરિકાના વિપક્ષ રિપબ્લિકન પાર્ટીના ૨૨ સેનેટરો તરફથી રજૂ કરાયેલા બીલમાં એક ટાસ્ક ફોર્સ બનાવવાની પણ માગણી કરાઈ છે, જે અફઘાનિસ્તાનમાં ફસાયેલા અમેરિકન નાગરિકો અને વિશેષ વિઝા ધરાવતા લોકોને બહાર કાઢવા પર ધ્યાન આપી શકે.
રિપોર્ટમાં કહેવાયું છે કે ‘અફઘાનિસ્તાન કાઉન્ટર ટેરરિઝમ, ઓવરસાઈટ એન્ડ એકાઉન્ટેબિલિટી એક્ટ’ એક ટાસ્ક ફોર્સની સ્થાપના કરવા માગે છે, જે અમેરિકન નાગરિકો, કાયદાકીય સ્થાયી નિવાસીઓ અને અફઘાનિસ્તાનથી વિશેષ ઈમિગ્રન્ટ વિઝા ધારકોને અફઘાનિસ્તાનમાંથી બહાર કાઢવા પર કેન્દ્રીત હશે.HS