તાલિબાની હકૂમતઃ હવે કપડાંની દુકાનોમાં પૂતળાઓના માથા કલમ કરવાનો આદેશ
નવીદિલ્હી, અફઘાનિસ્તાનની સત્તામાં આવ્યા બાદ તાલિબાન મનફાવે તેવા કાયદાઓ લાગુ કરી રહ્યું છે અને અફઘાની લોકો પાસે તેનું બળજબરીથી પાલન પણ કરાવી રહ્યું છે. ત્યારે હવે તાલિબાની ફાઈટર્સ દુકાનોમાં રહેલા પૂતળાઓના માથા કલમ કરી રહ્યા છે.
તાલિબાનના કહેવા પ્રમાણે આ પૂતળાઓ ઈસ્લામ દ્વારા ઘડવામાં આવેલા નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છે. પશ્ચિમી પ્રાંત હેરાત ખાતે તાલિબાને દુકાનદારોને આદેશ આપ્યો છે કે, તેઓ પોતાની દુકાનોમાં રાખેલા પૂતળાઓના માથા કાપીને અલગ કરી દે કારણ કે, તે બધી મૂર્તિઓ છે અને ઈસ્લામમાં મૂર્તિઓની પૂજા કરવી તે મોટો ગુનો છે.
હેરાત ખાતે પ્રોપેગેશન ઓફ વર્ચ્યુ એન્ડ પ્રિવેન્શન ઓફ વોઈસ માટે બનેલા મંત્રાલય તરફથી ચાલુ સપ્તાહ દરમિયાન આ ફરમાન જાહેર કરવામાં આવ્યું હતું. શરૂઆતમા મંત્રાલયે દુકાનોમાંથી પૂતળાને સંપૂર્ણપણે દૂર કરવા માટે આદેશ આપ્યો હતો પરંતુ દુકાનદારોની ફરિયાદ બાદ પૂતળાઓના માથા કલમ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. દુકાનદારોના કહેવા પ્રમાણે એક પૂતળાની કિંમત ૭૦થી ૧૦૦ ડોલર જેટલી છે. તેને દૂર કરવાથી કે માથા અલગ કરવાથી તેમને નુકસાન થશે.
સત્તામાં આવ્યા બાદ તાલિબાને કહ્યું હતું કે, તે મહિલાઓ અને સૌ કોઈના અધિકારો માટે કામ કરશે પરંતુ સત્તામાં આવ્યા બાદ તાલિબાને લોકોના અધિકારોને કચડવાનું શરૂ કરી દીધું. ખાસ કરીને મહિલાઓના અધિકારો સમાપ્ત કરી દેવાયા અને ત્યાં સુધી કે તેમના અભ્યા પર પણ પ્રતિબંધ મુકી દેવાયો.HS