તાલિબાને 3000 લીટર દારૂ જપ્ત કરીને કાબુલની કેનાલમાં વહાવ્યો

નવી દિલ્હી, અફઘાનિસ્તાનની તાલિબાના સરકારે દેશમાં દારૂના વેચાણ પર પ્રતિબંધ બાદ તેના વિરૂદ્ધ અભિયાન શરૂ કર્યું છે. તેના અંતર્ગત રવિવારે ગુપ્તચર એજન્ટ્સે 3,000 લીટર દારૂ કાબુલની ગટરમાં વહાવી દીધો હતો. તેનો વીડિયો પણ શેર કરવામાં આવ્યો છે જેથી ગેરકાયદેસર શરાબ વિક્રેતાઓ સમજી જાય કે, તાલિબાન તેમને છોડશે નહીં.
આ વીડિયો જનરલ ડાયરેક્ટરેટ ઓફ ઈન્ટેલિજન્સ (GDI) દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. તેમાં જીડીઆઈના એજન્ટ્સ ડ્રમોમાં ભરેલો દારૂ ગટરમાં વહાવતા જોવા મળી રહ્યા છે. આ દારૂ કાબુલમાં પાડવામાં આવેલા દરોડાઓમાં જપ્ત કરવામાં આવ્યો હતો. આ દરમિયાન પકડાયેલા શરાબ વિક્રેતાઓને હાથકડી પહેરાવીને ત્યાં હાજર રખાયા હતા.
ગુપ્તચર એજન્સીએ આ વીડિયો રવિવારે ટ્વિટર પર પોસ્ટ કર્યો હતો. આ સાથે જ અફઘાનિસ્તાનના એક ગુપ્તચર અધિકારીએ ચેતવણી આપી હતી કે, મુસ્લિમોને દેશમાં આલ્કોહોલ બનાવવા અને તેના સપ્લાય કરવાથી બચવું પડશે.
તાલિબાને આ દારૂ ક્યારે જપ્ત કર્યો હતો અને ક્યારે તેને કેનાલમાં વહાવી દીધો હતો તે હજુ સામે નથી આવ્યું. જીડીઆઈના નિવેદન પ્રમાણે ધરપકડ અભિયાન દરમિયાન 3 શરાબ વિક્રેતાઓની ધરપકડ કરવામાં આવી છે.
અફઘાનિસ્તાનમાં દારૂના સેવન અને વેચાણ પર પૂર્વવર્તી પશ્ચિમ સમર્થિત સરકાર દરમિયાન પણ પ્રતિબંધ હતો પરંતુ તાલિબાન પોતાને ઈસ્લામનું કટ્ટર સમર્થક માને છે માટે તેના વિરૂદ્ધ આકરૂ વલણ અપનાવી રહ્યું છે. 15 ઓગષ્ટના રોજ દેશની સત્તા પર કબજો જમાવ્યા બાદ ઈસ્લામી સરકારે દેશભરમાં દારૂના વેચાણ વિરૂદ્ધ દરોડા અભિયાન છેડ્યું છે.