તાલિબાન જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓને હથિયાર વેચે છે

નવી દિલ્હી, અમેરિકી સેનાની અફઘાનિસ્તાનમાંથી ઘરવાપસીની અસર કાશ્મીરમાં દેખાવી શરૂ થઈ ગઈ છે. એવું માનવામાં આવે છે કે, અમેરિકી સેનાએ પરત ફરતી વખતે જે હથિયારો અફઘાનિસ્તાનમાં છોડી દીધા હતા તેને હવે તાલિબાનીઓ વેચી રહ્યા છે.
સંરક્ષણ નિષ્ણાંતોના કહેવા પ્રમાણે ચીન અને પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ આ હથિયારો ખરીદી રહી છે. આઈએસઆઈ આ હથિયારોને કાશ્મીર મોકલવામાં આવી રહેલા આતંકવાદીઓને આપી રહ્યું છે. સ્થાનિક કાશ્મીરી આતંકવાદી સંગઠન પીપલ્સ એન્ટી ફાસિસ્ટ ફોર્સ (પીએએફએફ)ના સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક તાજેતરના વીડિયો દ્વારા આ વાતના સંકેત મળ્યા છે.
વાયરલ વીડિયોમાં આતંકવાદીઓ અમેરિકા નિર્મિત હથિયાર અને ગોળા-બારૂદ વાપરતા જાેવા મળી રહ્યા છે. એટલું જ નહીં, આતંકવાદી સંગઠને પોતાના કેટલાક આતંકવાદીઓની હથિયારો સાથેની તસવીરો પણ અપલોડ કરી છે. સાથે જ એવો દાવો કરવામાં આવ્યો છે કે, તેનો ઉપયોગ તાજેતરમાં પુંછ ખાતે ભારતીય સેના વિરૂદ્ધ કરવામાં આવેલા હુમલામાં થયો હતો જેમાં ૯ જવાન શહીદ થયા હતા.
સુરક્ષા નિષ્ણાંતોના કહેવા પ્રમાણે આ વીડિયોમાં આતંકવાદીઓ એમ ૨૪૯ ઓટોમેટિક રાઈફલ્સ, ૫૦૯ ટેક્ટિકલ ગન, એમ ૧૯૧૧ પિસ્તોલ અને એમ૪ કાર્બાઈન અસોલ્ટ રાઈફલનો ઉપયોગ કરતા જાેવા મળ્યા હતા. આ તમામ હથિયારોનો ઉપયોગ અમેરિકી સેના પણ કરી રહી છે.
અમેરિકી સેના જ્યારે અફઘાનિસ્તાનમાંથી પાછી ફરી ત્યારે જ સંરક્ષણ નિષ્ણાંતોએ અફઘાનિસ્તાનમાંથી અમેરિકી સૈનિકોની વાપસીની અસર કાશ્મીરની સ્થિતિ પર જરૂર પડશે તેવા સંકેત આપ્યા હતા. હવે જ્યારે આ વીડિયો વાયરલ થયો છે તો એવા સંકેત મળી રહ્યા છે કે, કાશ્મીરમાં આતંકવાદીઓને અમેરિકા નિર્મિત આધુનિક હથિયાર મળી રહ્યા છે જેને અમેરિકી સેનાએ અફઘાનિસ્તાનમાં છોડી દીધા હતા.
એક અહેવાલ પ્રમાણે અમેરિકી સેનાએ જ્યારે અફઘાનિસ્તાન છોડ્યું તો ૮૦ મિલિયન અમેરિકી ડોલરના હથિયાર છોડી દીધા હતા. તેમાં ૬ લાખ કરતાં પણ વધારે અત્યાધુનિક નાના હથિયારો જેમ કે રાઈફલ, મશીનગન, પિસ્તોલ, ગ્રેનેડ લોન્ચર અને આરપીજી છે. તે સિવાય સર્વિલાન્સ ઈક્વિપમેન્ટ, રેડિયો સિસ્ટમ, ડ્રોન, નાઈટ વિઝન ગોગલ્સ વગેરેનો પણ સમાવેશ થાય છે.
સંરક્ષણ નિષ્ણાંતોના કહેવા પ્રમાણે તાલિબાને પોતાનું અર્થતંત્ર વધારે મજબૂત બનાવવા માટે કાબુલ અને તેની આજુબાજુના વિસ્તારોમાં તમામ હથિયારો ખુલ્લેઆમ વેચાણ માટે મુકી દીધા છે.
પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ અને ચીન દ્વારા તેની ખરીદી કરવામાં આવી છે. પાકિસ્તાન તેને જમ્મુ કાશ્મીરમાં સક્રિય આતંકવાદી સંગઠનોને પહોંચાડે છે.
જમ્મુ કાશ્મીરના વરિષ્ઠ સંરક્ષણ નિષ્ણાંત બ્રિગેડિયર (રિટાયર્ડ) અનિલ ગુપ્તાએ જણાવ્યું કે, અમેરિકાએ જ્યારે અફઘાન નેશનલ આર્મીના હાથમાં મોટા પાયે નવીનતમ હથિયારો અને ગોળા-બારૂદ છોડીને પોતાના સૈનિકોને પાછા બોલાવવાનો ર્નિણય લીધો તો એવી આશા રાખવામાં આવી હતી કે, તેઓ તાલિબાન સામે ઉભા રહેશે પરંતુ અફઘાન સેના વિખેરાઈ ગઈ અને મોટા ભાગના જવાનોએ પોતાના પદોને હથિયાર સાથે જ છોડી દીધા.
બ્રિગેડિયરના મતે ભારતમાં સક્રિય આતંકવાદી જૂથોનો આકા નાર્કોટેરર દ્વારા મળેલા ધન વડે આ હથિયારોની ખરીદી કરે છે. આ કારણે કાશ્મીરના આતંકવાદી સમીકરણો ફરી એક વખત બદલાઈ ગયા છે.SSS