તાલિબાન-હક્કાની નેટવર્ક વચ્ચે ક્રેડિટ માટેનો સંઘર્ષ

નવી દિલ્હી, અફઘાનિસ્તાનમાં વચગાળાની સરકારની રચના થઈ છે પરંતુ સ્થાયી સરકારને લઈ હજુ પણ અવઢવ છે. ત્યારે તાજેતરના અહેવાલો પ્રમાણે તાલિબાન અને હક્કાની નેટવર્ક વચ્ચે ક્રેડિટને લઈ સંઘર્ષ શરૂ થઈ ગયો છે અને ત્યાર બાદ મુલ્લા અબ્દુલ ગની બરાદરે કાબુલ છોડી દીધું છે.
ઉલ્લેખનીય છે કે, મુલ્લા અબ્દુલ ગની બરાદરને તાલિબાન સરકારમાં ડેપ્યુટી પ્રાઈમ મિનિસ્ટર બનાવવામાં આવ્યા છે. થોડા દિવસ પહેલા હક્કાની નેટવર્ક અને તેમના વચ્ચે અથડામણ પણ થઈ હતી જેમાં બરાદરને ગોળી વાગી હોવાના સમાચાર પણ વહેતા થયા હતા.
તાજેતરમાં બરાદર અને હક્કાની નેટવર્કના નેતા ખલીલ ઉર-રહમાન વચ્ચે વિવાદ થયો છે. ત્યાર બાદ બંનેના સમર્થકો આપસમાં અથડાયા હતા. હકીકતે હક્કાની નેટવર્ક એવું માને છે કે, તેના આક્રમક વલણ અને ફાઈટર્સના કારણે જ અફઘાનિસ્તાનની સત્તા મળી છે. જ્યારે બરાદરના કહેવા પ્રમાણે તેની કૂટનીતિના કારણે તાલિબાનને વિજય મળ્યો છે. તેવામાં ક્રેડિટને લઈ બંને જૂથ વચ્ચે અથડામણ જામી છે.
તાલિબાન અને હક્કાની નેટવર્ક વચ્ચે સરકારમાં ભાગીદારીનો પણ વિવાદ છે. હકીકતે હક્કાની નેટવર્ક અફઘાનિસ્તાનની સરકારમાં પ્રમુખ ભૂમિકા ઈચ્છે છે પરંતુ તાલિબાનના નેતાઓ તેમ નથી ઈચ્છતા. આ મુદ્દે પણ બંને વચ્ચે વિવાદ છે. થોડા દિવસ પહેલા સરકારની રચના દરમિયાન બંને જૂથો વચ્ચે ગોળીબાર પણ થયો હતો જેમાં બરાદર ઘાયલ થયો હોવાના સમાચાર સામે આવ્યા હતા. એક અહેવાલ પ્રમાણે બરાદર કાબુલ છોડીને કંધાર જતો રહ્યો છે.SSS