તાશ્કંદમાં એમિટી યુનિવર્સિટી કેમ્પસની મુખ્યમંત્રીએ મૂલાકાત લીધી
આવનારા જમાનાને અનુરૂપ શ્રેષ્ઠ ટેકનોલોજીનો લાભ લઇ ઉચ્ચત્તમ જ્ઞાન કૌશલ્યથી સજ્જ થવા યુવાનોને પ્રેરણા આપતા મુખ્યમંત્રીશ્રી
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ઉઝબેકિસ્તાન પ્રવાસના તેમના ચોથા દિવસે ઉઝબેકિસ્તાનની રાજધાની તાશ્કંદમાં એમિટી યુનિવર્સિટી કેમ્પસની મૂલાકાત લઇને ઉચ્ચશિક્ષણની વિવિધ પ્રવૃત્તિઓ નિહાળી હતી.
તેમણે આ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીઝ સાથે સંવાદ પણ કર્યો હતો. શ્રી વિજયભાઇ રૂપાણીએ આ યુનિવર્સિટીમાં જે ગ્લોબલ એજ્યુકેશન ઇન્ફ્રાસ્ટ્રકચર ફેસેલીટીઝ ઉપલબ્ધ છે તેનો લાભ લઇને આવનારા જમાનાને અનુરૂપ શ્રેષ્ઠ ટેકનોલોજીયુકત જ્ઞાન-કૌશલ્યથી સજ્જ થવાની પ્રેરણા યુવાછાત્રો સાથે વાતચીત દરમ્યાન આપી હતી.
એમિટી યુનિવર્સિટીના ગૃપ વાઇસ ચાઉન્સેલર શ્રી ડૉ. ગુરીંદરસિંઘે મુખ્યમંત્રી અને પ્રતિનિધિમંડળને આવકાર્યા હતા. મુખ્યમંત્રીશ્રીએ યુનિવર્સિટીના ઇન્ડોર પ્લે એરિયાનું પણ નિરીક્ષણ કર્યુ હતું. મુખ્યમંત્રીશ્રીએ ત્યારબાદ તાશ્કંદમાં બિનનિવાસી ગુજરાતી ઊદ્યોગ સાહસિક સતિષ વિજય વર્ગીયની ફાર્માસ્યુટિકલ કંપની સિરીન હેલ્થકેરની પણ મૂલાકાત લીધી હતી.