સરદાર સરોવર-નર્મદા ડેમની જળ સપાટી ૧૩૮.૨૩ મીટરે નોંધાઇ
રાજપીપલા : નર્મદા જિલ્લામાં કેવડીયા કોલોનીના સરદાર સરોવર-નર્મદા ડેમ ખાતે આજે તા. ૧૪ મી ઓક્ટોબર, ૨૦૧૯ ને સોમવારના રોજ બપોરે ૪:૦૦ કલાકે ડેમની જળ સપાટી ૧૩૮.૨૩ મીટરે સપાટી નોંધાઇ હોવાના અહેવાલ કેવડીયા કોલોની ખાતેના નર્મદા ફ્લડ કંટ્રોલ કક્ષ તરફથી પ્રાપ્ત થયાં છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, આજે તા. ૧૪ મી ઓક્ટોબરના રોજ બપોરે ૪:૦૦ વાગ્યાની પરિસ્થિતિએ નર્મદા ડેમમાં ૬૯,૫૦૯ ક્યુસેક પાણીના ઇનફલો સામે ૩૭,૧૫૦ ક્યુસેક પાણીનો આઉટફ્લો નોંધાયો હતો. તા. ૯ મી ઓગષ્ટ, ૨૦૧૯ ના રોજ નર્મદા ડેમના દરવાજા સૌ પ્રથમ ખોલાયા ત્યારથી નર્મદા ડેમ સાઇટ ખાતે રિવર બેડ-ભૂગર્ભ જળ વિદ્યુત મથક ખાતે ૬ યુનિટ આજદિન સુધી સતત વિજ ઉત્પાદન કરી રહ્યા છે અને આજે તા. ૧૪ મી ઓક્ટોબર, ૨૦૧૯ ના રોજ સવારના ૮:૦૦ વાગ્યા સુધીના છેલ્લા ૨૪ કલાક દરમિયાન R.B.P.H -ભૂગર્ભ જળ વિદ્યુત મથક દ્વારા ૨૪,૪૫૪ મેગાવોટ વિજ ઉત્પાદન થયું છે. જ્યારે C.H.P.H- કેનાલ હેડ પાવર હાઉસ ખાતે પણ ૫૦ મેગાવોટના યુનિટો મારફત છેલ્લાં ૨૪ કલાક દરમિયાન ૧,૭૩૬ મેગાવોટનું વિજ ઉત્પાદન નોંધાયેલ હોવાના અહેવાલ નર્મદા ફલ્ડ કંટ્રોલ કક્ષ, કેવડીયા તરફથી પ્રાપ્ત થયાં છે.