તા.૨૧મીના રોજ આણંદ શહેરમાં પાંચ સ્થળોએ યોગાભ્યાસ થશે
જિલ્લાની ત્રણ સબ જેલના કેદીઓ પણ યોગાભ્યાસમાં જોડાશે- સરદાર પટેલ મેમોરીયલ ખાતે યોગ થશે. મંદિરો તથા સ્વામીનારાયણ મંદિરના સાધુ સંતો જાડાશે
આણંદ – મંગળવાર:: ભારતીય સંસ્કૃતિની ઉત્તમ વિરાસત સમાન યોગ વિદ્યાને સંયુકત રાષ્ટ્ર સંઘ દ્વારા વૈશ્વિક વિરાસતમાં સામેલ કરીને દર વર્ષે ૨૧મી જૂનને વિશ્વ યોગ દિવસ જાહેર કરેલ છે. આ વિશ્વ યોગ દિનને વિરાટ જનસમર્થન મળી રહે તે માટે આગામી તા.૨૧મી જૂન પાંચમા વિશ્વ યોગ દિવસની ઉજવણી આણંદ શહેર સહિત સમગ્ર જિલ્લામાં પણ જિલ્લા કક્ષાએ, નગરપાલિકા કક્ષાએ અને તાલુકા કક્ષાએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે. આણંદ જિલ્લામાં આગામી ૨૧ જૂને ૧૬૨૪ સ્થળોએ યોગ દિવસની ઉજવણીના ભાગરુપે હજ્જારો લોકો યોગાભ્યાસ કરનાર છે.
૨૧ જૂને આણંદ ખાતે યોગના મુખ્ય કાર્યક્રમમાં રાજ્યના શિક્ષણમંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસ્માં ઉપસ્થિત રહેશે. જિલ્લાભારમાં દરેક તાલુકા મથકે અને શાળા-સ્કુલ-સંસ્થાઓ દ્વારા યોગાસન કરાશે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ કરાઇ છે. નિષ્ણાંત યોગ શિક્ષકો દ્વારા યોગ કરાવાશે. આ ઉજવણીમાં જોડાવવા માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન થઇ રહ્યુ છે. આણંદ શહેરમાં શાસ્ત્રી મેદાન-૧ અને ૨ , એન.ડી.ડી.બી. ક્રિકેટ ગ્રાઉન્ડ, બી.એન.હાઇસ્કુલ, મહાત્માગાંધી વિધાલય મોગરી, અને સુવિખ્યાત સરદાર પટેલ મેમોરીયલ ખાતે પણ યોગાભ્યાસ થશે.
આ ઉપરાંત મંદિરોમાં પણ યોગાભ્યાસ થશે. જેમાં સ્વામિનારાયણ મંદિરો , જાગનાથ મંદિર, સતકેવલ ગુરુકુલ-સારસા, બોચાસણ સ્વામી નારાયણ મંદિર, અને આર્ટ ઓફ લિવીંગ-આંકલવાડી આશ્રમ ખાતે પણ લોકો યોગમાં જોડાશે. જિલ્લામાં જે સ્થળોએ યોગાભ્યાસ કરવામાં આવે તે સ્થળોની આસપાસમાં રહેતા નગરજનોને પણ આ યોગાભ્યાસમાં જોડાઇને ભારતીય સંસ્કૃતિની ઉત્તમ વિરાસત સમાન આંતરરાષ્ટ્રીય યોગ દિવસમાં સહભાગી થવા અનુરોધ કરાયો છે..
આણંદ જિલ્લામાં પાંચ મુખ્ય સ્થળો પૈકી જિલ્લા કક્ષાનો મુખ્ય કાર્યક્રમ વિદ્યાનગરના શાસ્ત્રી મેદાન ખાતે જયારે આણંદ શહેરના શાસ્ત્રી મેદાનના બીજા ભાગમાં, એન.ડી.ડી.બી., મહાત્મા ગાંધી વિદ્યાલય, મોગરી અને ડી.એન.હાઇસ્કૂલ, આણંદ ઉપરાંત દરેક તાલુકા દીઠ-૧૪, નગરપાલિકા દીઠ-૨૨, ગ્રામ પંચાયતોના-૩૫૧, પ્રાથમિક શાળા-૬૨૦, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ-૩૯૬, કોલેજો-૧૫૫, જિલ્લાની ત્રણ સબ જેલો અને એન.જી.ઓ.-૫૪ મળી જિલ્લાના કુલ-૧૬૨૪ સ્થળોએ યોગાભ્યાસ યોજાશે.
ગત વર્ષે વિશ્વ યોગ દિવસની ઉજવણીમા જિલ્લામાં ૬.૩૦ લાખ વ્યકિતઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું જે પૈકી ૬.૦૫ લાખ વ્યકિતઓએ વિશ્વ યોગ દિવસમાં ભાગ લઇને યોગાભ્યાસ કર્યો હતો. ચાલુ વર્ષે માસ્ટર ટ્રેનર્સ દ્વારા યોગાભ્યાસની તાલીમ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા કલેક્ટરશ્રી દિલીપ રાણા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને જિલ્લા અધિકારીશ્રીઓએ આજે વહેલી સવારે એન.ડી.ડી.બી. ખાતે યોગાભ્યાસ કર્યો હતો.
ચાલુ વર્ષે વધુને વધુ નગરજનો યોગાભ્યાસમાં જોડાય તેવું આયોજન કરવાની સાથે તાલીમબધ્ધ ટ્રેનર્સ દ્વારા તમામને તાલીમ આપવામાં આવી રહી છે. જિલ્લાના નાગરિકોને વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં ઉત્સાહભેર સહભાગી થવા રજીસ્ટ્રેશન કરાવી રહ્યા છે. શહેર અને જિલ્લામાં યોજાનાર વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં એન.સી.સી., આર્ટ ઓફ લીવીંગ, પતંજલી, ગાયત્રી સંસ્થા, બ્રહ્માકુમારી, જાગનાથ મહાદેવ, રામૃકષ્ણ મિશન જેવી વિવિધ ધાર્મિક-સામાજિક-સ્વૈચછિક સંસ્થાઓ સહિત ઔદ્યોગિક એકમો પણ જોડાનાર છે..