તા.૩૧ માર્ચ સુધી સક્ષમ અધિકારીની પરવાનગી વગર સંમેલન ન કરવા હુકમ
પ્રિન્ટ કે સોશિયલ મીડિયા મારફતે કોરોના વાયરસ અંગે ખોટી અફવા ફેલાવનાર સામે કરાશે કાયદેસરની કાર્યવાહી
મૉલ, થિયેટર્સ, જીમ, સ્પોર્ટ્સ સંકુલો, ડાન્સ ક્લાસિસ અને ખાનગી શૈક્ષણિક સંસ્થાઓ સહિતના સ્થળો જાહેર જનતા માટે બંધ રાખવા હુકમ
કોરોના વાઈરસ પોઝીટીવ વિસ્તાર કે દેશમાંથી છેલ્લા ૧૪ દિવસમાં મુસાફરી કરીને આવેલા પ્રવાસીઓને સરકારી હોસ્પિટલના કંટ્રોલરૂમનો સંપર્ક કરવા સુચના
માહિતી બ્યુરો, પાટણ: નોવેલ કોરોના વાયરસ ફેલાતો અટકાવવા ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા સમયાંતરે જાહેર કરવામાં આવેલી વિવિધ માર્ગદર્શિકાઓના પગલે કોરોના વાયરસના ઝડપી સંક્રમણની શક્યતાઓ ટાળવા તકેદારીના ભાગરૂપે પાટણના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી દ્વારા લોકોની વધુ અવર-જવર વાળા જાહેર અને ખાનગી સ્થળો પર નિયંત્રણો મુકવામાં આવ્યા છે.
ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪ તથા ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૩૭(૪) મુજબ મળેલી સત્તાની રૂએ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી એન.ડી.પરમાર દ્વારા સમગ્ર પાટણ જિલ્લામાં જાહેર સ્થળોએ સક્ષમ સત્તાધિકારીની પૂર્વે લેખિત પરવાનગી વગર કોઈપણ પ્રકારના સભા, સરઘસ, સંમેલન, મેળાવળા કે લોકમેળા કે જે પ્રસંગે વિશાળ સંખ્યામાં લોકો એકત્રિત થાય તેવા કોઈ આયોજન કરવા નહીં કે આવા આયોજનમાં વિશાળ સંખ્યામાં લોકોએ હાજર રહેવું નહીં તેવો હુકમ કરવામાં આવ્યો છે.
પાટણ જિલ્લાના તમામ મોલ, મલ્ટીપ્લેક્ષ, સિનેમા અને નાટ્યગૃહ, જીમ, સ્પોર્ટ્સ કોમ્પેલક્ષ, સ્વીમિંગ પુલ, ડાંસ ક્લાસીસ, ગેઈમ ઝોન અને ક્લબ હાઉસ તથા જિલ્લાના હદ વિસ્તારમાં આવતા જીમ્નેશિયમ, વોટર પાર્ક, ઓડિટોરીયમ, એમ્યુઝમેન્ટ પાર્ક, પાર્ટી પ્લોટ, મેરેજ હૉલ, લગ્ન વાડી અને રીક્રિએશન ક્લબ કે જ્યાં મોટી સંખ્યામાં લોકોની અવર-જવર થતી હોય તેવા તમામ સ્થળો જાહેર જનતા માટે બંધ રાખવા હુકમ કરવામાં આવ્યો છે. સાથે જ તમામ શૈક્ષણિક સંસ્થાઓ તથા ટ્યુશન ક્લાસ વગેરે સ્થળોએ તમામ પ્રકારનું શૈક્ષણિક કાર્ય બંધ રાખવા જણાવવામાં આવ્યું છે.
ઉપરાંત જાહેરનામામાં તમામ હોટલ્સ, રેસ્ટોરન્ટ્સ, ખાણી-પીણીના સ્થળો, મીઠાઈ ફરસાણની દુકાન, ભોજનાલય જેવા તમામ ખાનગી સ્થળોના સંચાલકોએ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા સરકારશ્રી દ્વારા જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકા મુજબ જરૂરી હાઈજીનની વ્યવસ્થા કરી પુરતી તકેદારી રાખવા ફરમાવવામાં આવ્યું છે.
અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીના જાહેરનામા મુજબ જો કોઈ મુસાફર જાહેર થયેલ કોરોના વાઈરસ પોઝીટીવ વિસ્તાર કે દેશમાંથી છેલ્લા ૧૪ દિવસમાં મુસાફરી કરીને આવેલા હોય તો તેમને નજીકની સરકારી હોસ્પિટલ ખાતે (૨૪X૭) કંટ્રોલરૂમ નં. ૦૨૭૬૬-૨૩૪૨૯૫ અથવા હેલ્પ લાઈન નં.૧૦૪ પર ફરજીયાત જાણકારી આપવાની રહેશે.
આ જાહેરનામું પાટણ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં આગામી તા.૩૧.૦૩.૨૦૨૦ સુધી લાગુ પડશે. આ હુકમના કોઈપણ ખંડનો ભંગ અગર ઉલ્લંઘન કરનાર શખ્સ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. સરકારી ફરજ અથવા કામગીરીમાં હોય તેમજ હોમગાર્ડ કે અન્ય સરકારી કે અર્ધ સરકારી એજન્સી જેઓ કાયદેસરની ફરજ પર હોય તથા સ્મશાન યાત્રાને લાગુ પડશે નહીં.