તા. ૪થીની આસપાસ તોફાની પવન સાથે ભારે વરસાદ પડવાની આગાહી
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ
અમદાવાદ, ગુજરાના અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમના પગલે ૪-પ દિવસમાં ગુજરાતના દરિયાકાંઠા સહિતના વિસ્તારોમાં વાવાઝોડું ત્રાટકવાની આગાહી કરવામાં આવી છે. અગાઉ હવામાન વિભાગે વાવાઝોડું ઓમાન તરફ ફંટાયુ હોવાની શંકા વ્યક્ત કરી હતી . પરંતુ ટુંક સમયમાં જ ચિત્ર સ્પષ્ટ બની જશે. જા કે ગુજરાતના દરિયાકિનારે હજુ પણ ખતરો તોળાઈ રહ્યો છે. વાવાઝોડાની અસરના કારણે ગુજરાતના દરિયાકિનારાના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને રાજ્ય સરકાર પણ એલર્ટ થઈ ગઈ છે. કિનારાના તમામ જીલ્લાઓના અધીકારીઓની રજા રદ કરી દેવામાં આવી છે અને તમામને સ્થળ ઉપર હાજર રહેવા જણાવાયું છે.
અત્યારે સમગ્ર દેશમાં ફેલાયેલી કોરોના મહામારી વચ્ચે હવે ગુજરાત માથે વાવાઝોડાનું સંકટ પણ ઉભું થયું છે. હાલ જે ડિપ્રેશન ઓમાન-મસ્કત તરફ છે તે આગામી ચોથી અને પાંચમી જૂનના રોજ ગુજરાતના દ્વારકા, ઓખા અને મોરબી થઈ કચ્છ તરફ વાવાઝોડા તરીકે ફંટાય તેવી દહેશત વેબસાઈટ અનુસાર વ્યક્ત કરાઈ છે. આ ડિપ્રેશન વાવાઝોડાનું સ્વરૂપ લેશે તો દ્વારકા થઈને તે કચ્છના કંડલા અને આજુબાજુના વિસ્તારોને ધમરોળતું રાજસ્થાન તરફ આગળ વધે અને ત્યાં વિખેરાઈ જાય તેવી શક્યતાઓ છે.
હવામાન ખાતાની અપડેટ અનુસાર અત્યારે અરબી સમુદ્રનું ડિપ્રેશન ઓમાન-યમન પાસે કેન્દ્રીત છે. વેબસાઈટ અનુસાર અરબી સમુદ્રમાં છેલ્લા ચાર દિવસ દરમિયાન સર્જાયેલા ડીપ ડિપ્રેશનના કારણે હવે આ ડિપ્રેશન વાવાઝોડું ગુજરાત તરફ તેજ ગતિથી આગળ વધી રહ્યું છે. અલબત્ત આ અંગેની કોઈ સત્તાવાર જાહેરાત હવામાન ખાતા તરફથી કરાઈ નથી. પરંતુ નિષ્ણાતોના જણાવ્યા મુજબ આ વાવાઝોડું ગુજરાતમાં ત્રાટકશે તો કલાકના ૧ર૦ કિ.મી. સુધીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે .
હાલ પોરબંદરના દરિયામાં ભારે કરંટ જાવા મળ્યો છે. આ અસરને જાતાં પોરબંદર દરિયામાં બંદરે એક નંબરનું સિગ્નલ લગાડાયું છે. અરબી સમુદ્રમાં લો પ્રેશરને કારણે સાવચેતીના ભાગરૂપે એક નંબરનું સિગ્નલ લગાવી માછીમારોને દરિયો નહિં ખેડવાની સલાહ આપી છે.