તિરૂપતિની હોસ્પિટલમાં ૧૧ કોરોના દર્દીઓના મોત
તિરૂપતિ: કોરોના વાયરસની બીજી લહેરે દેશમાં કોહરામ મચાવ્યો છે. આંધ્રપ્રદેશના તિરુપતિની સરકારી હોસ્પિટલમાં કોરોનાથી સંક્રમિત ૧૧ દર્દીઓ ઓક્સિજનની અછતના કારણે મૃત્યુ પામ્યા છે. આ આંકડો વધુ વધી શકે છે. મોટાભાગના દર્દીઓ આઈસીયુ વોર્ડમાં દાખલ હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર, તિરૂપતિની રૂઈયા સરકારી હોસ્પિટલમાં ઓક્સિજનના અભાવને કારણે ૧૧ કોરોના ચેપગ્રસ્ત દર્દીઓનું મોત નીપજ્યું હતું. હોસ્પિટલના વહીવટીતંત્રે જણાવ્યું હતું કે ઓક્સિજન ટેન્કર આવવાના હતા, પરંતુ આગમન કરવામાં મોડું થયું હતું, જેના કારણે ૧૧ દર્દીઓએ જીવ ગુમાવ્યો હતો. આંધ્રપ્રદેશના સીએમ જગન રેડ્ડીએ ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે.
ચિત્તૂરના જિલ્લા અધિકારી એમ. હરિ નારાયણે આ જાણકારી આપી. તેમણે કહ્યું કે, ઑક્સિજન સીલેન્ડરને ફરીથી લોડ કરવામાં ૫ મિનિટ લાગી જેનાથી ઑક્સિજન પ્રેશર નીચું આવ્યું અને દર્દીઓના મોત થયા. જાે કે દર્દીઓના પરિવારે આરોપ લગાવ્યો છે કે ઑક્સિજનનો સપ્લાય ૨૦-૨૫ મિનિટ સુધી ડાઉન હતો.
આ ઘટનાના વિઝ્યુઅલ્સ સામે આવ્યા છે, જેમાં મેડિકલ સ્ટાફ દર્દીઓની સાથે ઝઝુમતો જાેવા મળી રહ્યો છે. હરિ નારાયણે કહ્યું કે, “ઑક્સિજનનો પૂરવઠો ૫ મિનિટની અંદર પુરો પાડવામાં આવ્યો અને બધું હવે સામાન્ય થઈ ગયું છે. આના કારણે વધુ દર્દીઓના મોત રોકી શકાયા.” લગભગ ૩૦ ડૉક્ટરોને દર્દીઓની દેખરેખ કરવા માટે તરત આઈસીયૂમાં મોકલવામાં આવ્યા. તેમણે જણાવ્યું કે, ઑક્સિજનના સપ્લાયમાં વિક્ષેપ તમિલનાડુના શ્રીપેરુમ્બુદુરથી આવી રહેલા ટેન્કરોમાં મોડું થવાના કારણ ઉત્પન્ન થઈ.
આ હૉસ્પિટલમાં ૧,૧૦૦ બેડની ક્ષમતા છે. આઈસીયૂમાં ૧૦૦થી વધારે દર્દી છે અને ઑક્સિજન બેડ પર ૪૦૦ દર્દી છે. જિલ્લા અધિકારીએ કહ્યું કે, હૉસ્પિટલમાં ઑક્સિજનની કોઈ તંગી નથી અને પુરતા પ્રમાણમાં પુરવઠો પુરો પાડવામાં આવી રહ્યો છે. મુખ્યમંત્રી વાઈ.એસ. જગન મોહન રેડ્ડીએ આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું.