તિરૂપતિ શહેર કન્ટેન્મેન્ટ ઝોન જાહેર: 5 ઓગસ્ટ સુધી સંપૂર્ણ લોકડાઉન
તિરૂપતિ, આંધ્રપ્રદેશના તિરૂપતિ શહેરમાં 5 ઓગસ્ટ સુધી ટોટલ લોકડાઉન જાહેર કરી દેવામાં આવ્યું છે. શહેરમાં વધતાં કોરોનાના કેરને જોતાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે, આ દરમિયાન તિરૂપતિ બાલાજી સહિત બધા જ મંદિર ખુલ્લા રહેશે, સાથે જ મંદિરના વાહનોનું આવાગમન પણ શરૂ રહેશે. શહેરમાં લોકડાઉનને જોતા તિરૂપતિ ટ્રસ્ટે પણ પોતાની ઓનલાઇન સર્વદર્શન ટિકિટ વ્યવસ્થાને હાલ બંધ કરી દીધી છે. હવે મંદિરમાં દર્શન માટે માત્ર ઓનલાઇન ટાઇમ સ્લોટ જ મળી શકશે.
લગભગ સંપૂર્ણ તિરૂપતિ શહેર જ કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરી દેવામાં આવ્યું છે. તિરૂપતિના બધા જ 56 વોર્ડ્સમાં 20 થી 30 કોરોના દર્દીઓ છે. જેને જોતા પ્રશાસને તરત જ શહેરમાં બહારથી આવતાં વાહનો ઉપર પ્રતિબંધ લગાવી લીધો છે અને આખા શહેરને 5 ઓગસ્ટ સુધી લોકડાઉન કરી દીધું છે. આ દરમિયાન માત્ર જરૂરી સેવાઓ જ શરૂ રહેશે. મંદિરના વાહનોની અવર-જવર શરૂ રહેશે. કેમ કે, આ વાહનો મોટાભાગે બાયપાસ રોડથી પસાર થાય છે.
તિરૂપતિ મંદિરના સ્ટાફમાં પણ સંક્રમિતોની સંખ્યા 170 પહોંચી ગઇ છે. સોમવારે પૂર્વ મુખ્ય પૂજારી શ્રીનિવાસ દીક્ષિતુલુનું કોરોનાથી મૃત્યુ થયા બાદ મંદિર ટ્રસ્ટ ઉપર પણ મંદિરમાં દર્શન બંધ કરવા માટે ભારે દબાણ કરવામાં આવી રહ્યું છે. કર્મચારી સંગઠન સતત માગ કરી રહ્યા છે કે, મંદિરમાં ફરીથી એકવાર દર્શન બંધ કરી દેવામાં આવે. જોકે, તેને લઇને ટ્રસ્ટે કોઇપણ પ્રકારનો નિર્ણય લીધો નથી. માત્ર 60 વર્ષથી વધારે ઉંમરના કર્મચારીઓ અને પૂજારીઓને મંદિરમાં આવવાની ના પાડવામં આવી છે.