તિલકવાડામાં આરોગ્યલક્ષી સેવાઓ ઘર આંગણે જ નિષ્ણાત તબીબો દ્વારા પુરી પાડવામાં આવી
તિલકવાડા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી પારૂલબેન તડવીના અધ્યક્ષસ્થાને “તાલુકાકક્ષાનો આરોગ્ય મેળો” યોજાયો
૬૭૨ જેટલા દર્દીઓએ આરોગ્ય સેવાનો લાભ લીધો : ૧૪ જેટલા લોકોએ કર્યુ બ્લડ ડોનેડ
રાજપીપલા, આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે તા.૧૮ થી તા.૨૨ મી એપ્રિલ દરમિયાન તમામ તાલુકા મથકોએ આરોગ્ય મેળાઓનું રાજ્યવ્યાપી અભિયાન હાથ ધરાયું છે,
ત્યારે નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી પારૂલબેન તડવીના અધ્યક્ષસ્થાને તિલકવાડાના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આજે તાલુકાકક્ષાના આરોગ્ય મેળાને દિપ પ્રાગટ્ય દ્વારા ખૂલ્લો મુકાયો હતો.
તિલકવાડાના તાલુકા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. સુબોધ. કે. કુમારે પ્રસંગોચિત ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે, તાલુકા આરોગ્ય મેળાઓ થકી તાલુકા અને ગ્રામ્યકક્ષાઓના લોકોને આરોગ્યલક્ષી સેવાઓ ઘર આંગણે જ નિષ્ણાત તબીબો દ્વારા પુરી પાડવામાં આવી રહી છે
અને આ આરોગ્યલક્ષી સેવાઓનો લાભ વધુમાં વધુ લોકોને લેવા ડૉ.સુબોધે અપીલ કરી હતી. આરોગ્યમેળા ગ્રામ્ય વિસ્તારના લોકો માટે ખુબ જ ઉપયોગી બની રહ્યા હોવાની સાથે આરોગ્ય લક્ષી વિવિધ યોજનાઓની જાણકારી પણ આ આરોગ્ય મેળા દ્વારા લોકોને પુરી પાડવામાં આવી રહ્યી હોવાનું ડૉ. સુબોધે ઉમેર્યું હતું.
આ પ્રસંગે તિલકવાડા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી પારૂલબેન તડવી, જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ શ્રીમતી મમતાબેન તડવી, જિલ્લા બાળ વિકાસ ચેરમેન શ્રીમતી શ્રધ્ધાબેન બારીયા, તાલુકા અગ્રણી શ્રી બાલુભાઈ બારીયા અને શ્રી લાલાભાઈ મન્સૂરી, તિલકવાડા સરપંચ શ્રી અરૂણભાઇ તડવીએ પ્રસંગોચિત પ્રવચન કર્યા હતાં.
તિલકવાડા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી પારૂલબેન તડવી સહિત અન્ય મહાનુભાવોના હસ્તે પ્રતિકરૂપે ૫ જેટલાં લાભાર્થીઓને PMJAY યોજનાના કાર્ડ એનાયત કરાયાં હતાં. તિલકવાડાના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે યોજાયેલા બ્લોકકક્ષાના આરોગ્ય મેળામાં કાન, નાક અને ગળાના-૫૪,
દાંતના-૩૭, આંખના-૧૭૪, ચામડીના-૪૮, હાડકાના-૮૦, સ્ત્રી રોગના-૬૮, ફિજીશીયનના-૫૩, PMJAY માં કાર્ડના-૬૩ અને ઇ-સંજીવની યોજનાના-૩૪ સહિત વિવિધ આરોગ્યલક્ષી યોજનાઓના કુલ-૬૭૨ જેટલાં દરદીઓએ આરોગ્ય સેવાઓનો લાભ લીધો હતો. આ આરોગ્ય મેળામાં નિષ્ણાત તબીબો દ્વારા જરૂરી તબીબી સારવાર અને દવાઓનું વિતરણ કરાયું હતું. તેમજ ૧૪ જેટલાં લોકોએ બ્લડ ડોનેડ પણ કર્યું હતું.
તિલકવાડાના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે બ્લોક હેલ્થ આરોગ્ય મેળાનો લાભ લઈ રહેલાં દેવલીયા ગામના લાભાર્થી સકુબેન ઠાકોરભાઇ પટેલે પ્રતિભાવ આપતા કહ્યું હતું કે, આયુષ્યમાન ભારત યોજનાનું કાર્ડ મારે કઢાવવુ હતું પરંતુ તેના માટે ઘણો સમય લાગતો હોય છે. આજે ઘર આંગણે જ આરોગ્ય મેળો થયો હોવાથી આયુષ્યમાન યોજનાનું કાર્ડ મને સરળતાથી મળી ગયું છે. મને હવે ગંભીરબીમારી સામે રક્ષણ મેળવવા પાંચ લાખ સુધીની આર્થિક સહાયનો લાભ મળશે. આ કેમ્પ યોજવા બદલ તેમણે સરકારશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.
પ્રારંભમાં તાલુકા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. સુબોધ. કે. કુમારે સૌને આવકારી બ્લોક હેલ્થ મેળાની જાણકારી પુરી પાડી હતી. અંતમાં અગર ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફીસરશ્રી ડૉ. દિક્ષીતભાઈ તડવીએ આભારદર્શન કર્યું હતું.
કાર્યક્રમ પૂર્ણ થયા બાદ તિલકવાડા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી પારૂલબેન તડવી સહિતના ઉપસ્થિત મહાનુભાવોએ આરોગ્યમેળાના સ્ટોલની મુલાકાત લીધી હતી.