તિસ્તા અને શ્રીકુમારના છ દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર
ક્રાઇમ બ્રાંચના અધિકારીઓએ તિસ્તા, પૂર્વ આઇપીએસ આર.બી.શ્રીકુમારને મેટ્રોપોલીટન કોર્ટમાં રજૂ કર્યા
અમદાવાદ, ગોધરાકાંડ બાદ ગુજરાતમાં ફાટી નીકળેલા કોમી રમખાણો મુદ્દે ગુજરાતને બદનામ કરવાના ગંભીર પ્રકારના કાવતરામાં સીટીઝન ફોર જસ્ટિસ એન્ડ પીસ સંસ્થાના સક્રેટરી અને મુંબઇના સામાજીક કાર્યકર તિસ્તા શેતલવાડ અને પૂર્વ આઇપીએસ આર.બી.શ્રીકુમારને આજે શહેર ક્રાઇમબ્રાંચના અધિકારીઓએ લોખંડી પોલીસ જાપ્તા હેઠળ અત્રેની ઘી કાંટા ફોજદારી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.
જયાં મેટ્રોપોલીટન મેજિસ્ટ્રેટની કોર્ટમાં બંને આરોપીઓના પોલીસ રિમાન્ડની સમગ્ર કાર્યવાહી કોર્ટે ચેમ્બરમાં બંધબારણે હાથ ધરાઇ હતી. ક્રાઇમબ્રાંચની રિમાન્ડ અરજી અને કારણો ધ્યાનમાં લીધા બાદ મેટ્રોપોલીટન મેજિસ્ટ્રેટ કોર્ટે આરોપી તિસ્તા શેતલવાડ અને આર.બી.શ્રીકુમારના ૬ દિવસના તા.૨ જી જૂલાઇ સુધીના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા હતા.
ગુજરાતને બદનામ કરવાના કાવતરાના કેસમાં ક્રાઇમબ્રાંચના અધિકારીઓએ લોખંડી પોલીસ જાપ્તા હેઠળ આજે તિસ્તા શેતલવાડ અને પૂર્વ આઇપીએસ આર.બી.શ્રીકુમારને મેટ્રોપોલીટન કોર્ટમાં રજૂ કરી ૧૪ દિવસના રિમાન્ડની માંગણી કરતાં જણાવ્યું હતું કે,
આરોપીઓએ ઝાકીય જાફરીની અરજી તેમ જ અલગ અલગ કોર્ટની પિટિશનો અને એસઆઇટીના વડા સમક્ષ ખોટા દસ્તાવેજી પુરાવાઓ બનાવી તેનો સાચા તરીકે ઉપયોગ કરી અલગ અલગ કમીશનમાં રજૂ કરી આ કામના નિર્દોષ વ્યકિતઓને મૃત્યુદંડની સજાની જાેગવાઇઓની કલમો મુજબ પ્રોસીડીંગ્સ થાય તે હેતુથી બદઇરાદાપૂર્વક સમગ્ર વિષય સળગતો રહે તે પ્રકારે ગુજરાતને બદનામ કરવાનું કાવતરૂં અને ગંભીર ગુનાહિત કૃત્ય આચર્યું છે ત્યારે આ કેસ સંબંધી આરોપીની કસ્ટોડિયલ ઇન્ટ્રોગેશન કરવી ખૂબ જરૂરી છે.
ક્રાઇમબ્રાંચ તરફથી સ્પેશ્યલ પીપી મીતેશ અમીને જણાવ્યું કે, પ્રસ્તુત કેસમાં સુપ્રીમકોર્ટના તાજેતરના ચુકાદાનો પૂર્ણતઃ અભ્યાસ કર્યા બાદ જ ફરિયાદની કાર્યવાહી કરાઇ છે. અમે ફરિયાદમાં સહેજપણ વિલંબ કર્યો નથી. સુપ્રીમકોર્ટના ચુકાદા પછી તરત જ ફરિયાદ નોંધાઇ છે તેથી તપાસ પણ તરત જ શરૂ થાય તે જરૂરી છે.
આરોપીઓ અને તેમની સાથે સંકળાયેલા સંબધિત લોકો સાથે મળી કોર્ટો અને જાહેરજનતાને ખોટી રીતે ગુમરાહ કરવા અને અરાજકતા ફલેવવાની પેરવી કરીહતી પરંતુ એસઆઇટી દ્વારા હાલના આરોપીઓએ લેખિતમાં અને તેઓના વકીલો દ્વારા કરાયેલા ખોટા દાવાઓ અને અન્ય સંલગ્ન બાબતોનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.
આરોપીઓએ ઝાકીય જાફરી સહિત અન્ય સાહેદોને ચોક્કસ પ્રકારના નિવેદન આપવા માટે શીખવાડી સ્ટીરીય ટાઇપના સહીવાળા નિવેદનો રજૂ કરાવડાવ્યા હતા.
આ બાબતોની તપાસ માટે આરોપીઓની કસ્ટોડિયલ ઇન્ટ્રોગેશન જરૂરી છે. આરોપી આર.બી.શ્રીકુમાર પૂર્વ આઇપીએસ છે અને આરોપી તિસ્તા શેતલવાડ કાયદાકીય જાણકાર અને કોર્ટની કાર્યવાહીથી માહિતગાર હોઇ ગુનાની તપાસમાં સાથ સહકાર આપતા નથી તેથી જરૂરી પુરાવાઓ અને ખૂટતી કડીઓ મેળવવા આરોપીઓના રિમાન્ડની જરૂર છે. ક્રાઇમબ્રાંચની રજૂઆત બાદ કોર્ટે બંને આરોપીઓને છ દિવસના રિમાન્ડ આપ્યા હતા.SS3KP