તિહાર જેલમાં હવે ચાર ફાંસીના ફંદા થઇ ગયા
નવી દિલ્હી, તિહાર જેલમાં હવે એકસાથે ચાર દોષિતોને ફાંસી આપી શકાશે. હજુ સુધી અહીં ફાંસી માટે એક તખ્તો હતો પરંતુ હવે તેની સંખ્યા વધારીને ચાર કરી દેવામાં આવી છે. પીડબલ્યુડી દ્વારા આ કામગીરીને સોમવારના દિવસે પૂર્ણ કરી દેવામાં આવી હતી. ફાંસી માટેના ત્રણેય નવા હેંગર પણ એજ જ જેલ નંબર-૩માં તૈયાર કરવામાં આવ્યા છે જ્યાં પહેલાથી જ એક હેન્ગર છે. હવે તિહાર દેશમાં એવી પ્રથમ જેલ બની ગઇ છે જેમાં એક સાથે ચાર ફાંસીના તખ્તા થઇ ગયા છે. તિહાર જેલના સુત્રોએ કહ્યુ છે કે આ કામને પૂર્ણ કરવા માટે જેલની અંદર જેસીબી મશીન લઇ જવામાં આવી હતી. કારણ કે ત્રણ નવા ફાંસીના તખ્તા તૈયાર કરવા માટે કેટલાક પગલા જરૂરી હતા. ફાંસીના તખ્તા બનાવવા માટે તેની નીચે એક સુરંગ પણ બનાવવામાં આવે છે. આ સુરંગ અથવા તો ટનેલના માધ્યમથી ફાંસી બાદ મૃત કેદીને બહાર કાઢવામાં આવે છે. ત્રણ નવા ફાંસીના તખ્તાની સાથે જ જુના ફંદાને પણ બદલી દઈને નવી વ્યવસ્થા કરવામાં આવી છે.
જેલના સુત્રોનું કહેવુ છે કે, ફાંસીના ત્રણ ફંદા નિભર્યા ગેગરેપ બાદ જેલમાં રહેલા ચાર કેદીઓને ફાંસી આપવા માટે તૈયાર કરવામાં આવ્યા છે. આ ચારના મામલામાં નવેસરની વિગત જેલ વહીવટી તંત્ર કોર્ટને આપનાર છે. છઠ્ઠી જાન્યુઆરીના દિવસે કોર્ટની કામગીરી શરૂ થવા જઈ રહી છે. તમામ કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરી લેવામાં આવ્યા બાદ નિર્ભયા ગેંગરેપના ચાર અપરાધીઓ અંગે અંતિમ નિર્ણય કરવામાં આવશે. હાલમાં નિર્ભયા ગેંગરેપના ચાર કેદીઓને તિહારની જેલ નંબર-૨ અને ચારમાં રાખવામાં આવ્યા છે.
જ્યારે ફાંસી પર લટકાવવાની તમામ કાયદાકીય પૂર્ણ કરી લેવામાં આવશે ત્યાર બાદ કોર્ટ દ્વારા બ્લેક વોરંટ જારી કરવામાં આવશે. આ ગાળા દરમિયાન ચારેય અપરાધીઓને જેલ નંબર-૩માં ફાંસીના તખ્તા ધરાવતી જેલની નજીકના રૂમમાં લઈ જવામાં આવશે. આ પહેલા જ્યારે આ ચારેય અપરાધીઓને ફાંસી આપવા માટેનો મામલો ગરમ બન્યો હતો ત્યારે દયાની એક અરજી રાષ્ટ્રપતિ પાસે પહોંચી હતી. એ વખતે જેલ વહીવટી તંત્રની સામે એક પ્રશ્ન એ પણ આવ્યો હતો કે, જા ચારેયને ફાંસી આપવામાં આવશે તો શું અલગ અલગ કરીને તેમને ફાંસી પર લટકાવવામાં આવશે. આવા પ્રશ્નો ઉભા થયા બાદ જેલ વહીવટી તંત્રએ ફાંસી માટે ત્રણ નવા ફંદા હવે બનાવી દેવામાં આવ્યા છે. એટલે કે ત્રણ નવા હેંગર બનાવી દેવામાં આવ્યા છે. એક સાથે ચાર દોષીતોને ફાંસી આપવામાં આવશે કે કેમ એને લઈને અટકળો ઉભી થઈ છે. તિહાર જેલમાં આને લઈને ગતિવિધીઓ ચાલી રહી છે.