તીડગ્રસ્ત ક્ષેત્રોના ૧૧ હજાર ખેડૂતોને વળતરની જાહેરાત
અમદાવાદ: રાજ્યના જુદા જુદા વિસ્તારમાં તીડના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે. પાકને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં સરકારે હવે સાવધાનીપૂર્વકનું વલણ અપનાવીને ખેડૂતોને રાહત આપવાનો નિર્ણય કર્યો છે. જેના ભાગરુપે અસરગ્રસ્ત જિલ્લાઓમાં નુકસાનનો સામનો કરી ચુકેલા ખેડૂતોને વળતર ચુકવવાનો આજે નિર્ણય કરાયો હતો. રાજ્ય સરકારે ઉત્તર ગુજરાતના બે જિલ્લામાં તીડે નોંતરેલા નુકસાનનું વળતર જાહેર કર્યુ હતું. બે જિલ્લામાં પાટણના ૭૫૦ હેક્ટર અને બનાસકાંઠાના ૨૪૪૭૨ હેક્ટરમાં પાકનું નુકસાન થયું હતું. જેમાં સરકાર કુલ ૧૧ હજાર ખેડૂતોને કુલ રૂ. ૩૧.૫૦ કરોડ ચૂકવણી કરશે.
સરકાર દ્વારા આ બંને જિલ્લાના ૧૧ હજારથી વધુ ખેડૂતોને પ્રતિ હેકટર રૂ.૧૮,૫૦૦ સુધી બે હેકટરની મર્યાદામાં રૂ.૩૭,૦૦૦ સુધીની સહાય આપવામાં આવશે. રાજયના કૃષિમંત્રી આર.સી.ફળદુએ તીડગ્રસ્ત ખેડૂતો માટે સરકાર તરફથી જાહેર કરાયેલા આ સહાય પકેજ અંગે જણાવ્યું કે, પાકિસ્તાન તરફથી ધસી આવેલા કરોડો તીડના ઝુંડોએ રાજયના પાટણ, બનાસકાંઠા, મહેસાણા અને કચ્છ સહિતના પંથકોને જાણે ઘમરોળી નાંખ્યું હતુંઅને સમગ્ર તંત્રને દોડતુ કરી દીધુ હતુ.
સતત એક સપ્તાહની ભારે જહેમત અને સતત દવાના છંટકાવ તેમ જ અસરકારક પ્રયાસો બાદ તીડોની કટોકટીભરી સ્થિતિ પર નિયંત્રણ મેળવી શકાયું હતું. જા કે, પાટણના બે તાલુકાના પાંચ અને બનાસકાંઠા જિલ્લાના ૧૩ તાલુકાના ૨૮૦ ગામોના ખેડૂતોના ઊભા પાકને તીડે નાશ કર્યો હતો.
જેમાં ૧૧ હજાર જેટલા ખેડૂતોને રૂ. ૧૮,૫૦૦ની ચૂકવણી કરવામાં આવશે. જેમાં વધુમાં વધુ બે હેક્ટર માટે પ્રત્યેક ખેડૂતને નુકસાનનું વળતર જાહેર કરવામાં આવશે. ખેડૂતોના પાકને ૩૩ ટકા કે તેથી વધુ નુકસાન તીડના આક્રમણથી થયુ હશે તેવા ખેડૂતોને બે હેકટરની મર્યાદામાં વળતરની સહાય ચૂકવવામાં આવશે. તેમણે ઉમેર્યું કે, ખેડૂતોને ચૂકવવામાં આવનારી આ સહાયની રકમ ડીબીટીથી ખેડૂતોના ખાતામાં સીધી જમા કરાવવામાં આવશે. ઉપરાંત, હજુ પણ બાકી રહી ગયેલા ખેડૂતોને તેમની રજૂઆત મુજબ જરૂર જણાયે સર્વે કરીને સહાય કરવામાં આવશે. સરકારની જાહેરાતથી ખેડૂતોને મોટી રાહત થશે.