તીડનાં ટોળાને મારવા ઈગ્લેન્ડથી મશીન મંગાવાશે
નવીદિલ્હી, કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ રાજ્ય મંત્રી કૈલાસ ચૌધરીએ શનિવારે જણાવ્યું હતું કે, એર ઇન્ડિયા અને સ્પાઇસ જેટનાં વિમાન દ્વારા તીડનાં સમૂહ પર સ્પ્રે છાંટવામાં આવશે.
કૈલાસ ચૌધરીએ અહીં પોતાના સંસદીય મત વિસ્તારમાં પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, એર સ્પ્રે મશીનો હવાઈ સ્પ્રેથી ઉંચી જગ્યાએ બેઠેલી તીડને નષ્ટ કરવા માટે ઇંગ્લેન્ડથી લેવામાં આવી રહ્યા છે, જેને લોકડાઉન હોવાના કારણે મોડું થઇ રહ્યુ છે જ્યારે ચુકવણી સહિત તેની સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. તેમણે કહ્યું કે, તીડનાં ટોળાને નષ્ટ કરવા માટે, કૃષિ મંત્રાલયે ડ્રોન માટે ડીજીસીએની પરવાનગી પણ લીધી છે. તે પછી અમે એર ઇન્ડિયા અને સ્પાઇસ જેટ જેવી કંપનીઓ સાથે એગ્રિમેન્ટ પણ કર્યું છે, જે તીડનાં સમૂહ પર છંટકાવ કરવામાં મદદ કરશે.
ચૌધરીએ જણાવ્યું હતું કે, ભવિષ્યમાં તીડનાં ટોળા વિશે જાગૃતિ લાવવા માટે યુનાઇટેડ નેશન્સ ફૂડ એન્ડ એગ્રિકલ્ચર ઓર્ગેનાઇઝેશન (એએફઓ) નાં સભ્ય દેશો સાથે નિયમિત બેઠક કરીને પણ તીડ નિયંત્રણની વ્યૂહરચનાનું સંકલન કરવામાં આવી રહ્યું છે.બાડમેર સહિત રાજસ્થાનનાં અનેક જિલ્લાઓમાં તીડનો ફેલાવો થયો છે. જણાવી દઇએ કે, તીડનું ટોળુ પહેલા પાકિસ્તાન અને બાદમાં રાજસ્થાનમાં આવ્યુ હતુ. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારે તીડનાં ટોળા પર કીટનાશકનો છંટકાવ કરવા માટે રાજ્ય સરકારને ૮૦૦ ટ્રેક્ટર ભાડા પર લેવાનો નિર્દેશ કર્યો છે તથા આ માટે તેને ડીઝલ અને ભાડા માટે એનડીઆરએફ થી પૂરતા નાણાં ફાળવવામાં આવ્યા છે.