Western Times News

Gujarati News

તીડ બલૂચિસ્તાનની તરફ ફંટાય તેવી પુરી સંભાવના

અમદાવાદ: રાજ્યના બનાસકાંઠા જિલ્લાના વિવિધ વિસ્તારમાં થયેલા તીડના આક્રમણના કારણે ખેડૂતોના પાકને નુકસાન તથા સર્જાયેલી વિકટ સ્થિતિને પહોંચી વળવા રાજ્ય સરકારે સઘન આયોજન કર્યું છે. કેન્દ્ર સરકારની ૧૬ ટીમો અને રાજ્ય સરકારની ૧૦૦ ટ્રેક્ટર માઉન્ટેડ સ્પ્રેયર ટીમો મળી કુલ ૧૧૬ ટીમો દ્વારા તીડ નિયંત્રણ કામગીરી દ્વારા મોટી સંખ્યામાં તીડનો નાશ કરાયો છે. પવનની દિશાને પગલે તીડ બલૂચિસ્તાન તરફ જાય તેવી શક્યતા સરકારે વ્યકત કરી છે.

સરકાર તરફથી આગામી ત્રણ દિવસમાં બનાસકાંઠામાંથી તીડનો ખાત્મો થઇ જવાની આશા પણ વ્યકત કરાઇ હતી. આ અંગે કૃષિ અને સહકાર વિભાગના અધિક મુખ્ય સચિવ પી.કે.પરમારે જણાવ્યું હતું કે, બનાસકાંઠાના તીડથી અસરગ્રસ્ત વિસ્તારોમાં કૃષિ મંત્રી આર.સી.ફળદુ ત્યાં પહોંચી ગયા છે અને કૃષિ વિભાગના ઉચ્ચ અધિકારીઓ તથા સ્થાનિક જિલ્લાના વહીવટી તંત્ર સાથે સંકલન કરીને તીડ નિયંત્રણની કામગીરી સંદર્ભે યુદ્ધના ધોરણે પગલાં હાથ ધરવાને પરિણામે આ સફળતા મળી છે.


રાજ્ય સરકારની આ કામગીરીને પરિણામે અને પવનની દિશાના આધારે તીડની દિશા હવે પાકિસ્તાનના બલૂચિસ્તાન તરફ રવાના થાય તેવી સંભાવના છે. ખેડૂતોએ માંગ કરી હતી કે, જો દિવસ દરમિયાન વીજ પુરવઠો મળે તો ખેતરોમાં ફુવારા ચાલુ રાખી શકાય અને એના લીધે પાક પર તીડ બેસતા નથી એને ધ્યાને લઇને રાજ્ય સરકારે આ વિસ્તારોમાં દિવસે વીજ પુરવઠો પુરો પાડવાનું શરૂ કરી દીધું છે.

જેથી ખેડૂતો ખેતરમાં ફુવારા ચાલુ રાખી શકે અને તીડને બેસતા અટકાવી નુકસાનથી બચી શકાય. સંકલિત અભિગમને કારણે નિયંત્રણની કામગીરી વધુ વેગવાન બની છે. બનાસકાંઠા જિલ્લામાં ગઇકાલ સુધી રાજ્ય સરકારના ખેતીવાડી વિભાગની ૨૭ સર્વે ટીમ અને ભારત સરકારના લોકસ્ટ કંટ્રોલ યુનિટની ૧૯ ટીમ અને ૨૫ સ્થાનિક ટ્રેક્ટર માઉન્ટેડ સ્પ્રેયર મારફતે તીડ નિયંત્રણની કામગીરી દ્વારા ૩૫૨૬ હેક્ટરમાં નિયંત્રણ કરવામાં આવી છે.

અત્યારસુધીમાં તીડગ્રસ્ત સંબંધિત વિસ્તારોમાંથી ૨૫ તીડોનો નાશ કરી શકાયો છે. બચી ગયેલા તીડો પૈકી એક ટોળું ફંટાઇને રાજસ્થાન તરફ ગયું છે. અને અડધું ટોળું વાઘાસણ, મિયાલ, આજુબાજુના ગામોના અંદાજે ત્રણ હજાર હેક્ટર વિસ્તારમાં જોવા મળ્યું હતું. જે માટે આજે ભારત સરકારની ૧૬ ટીમો અને રાજ્ય સરકારના ખેતીવાડી વિભાગ મારફત ૧૦૦ જેટલા ટ્રેક્ટર માઉન્ટેડ સ્પ્રેયરથી નિયંત્રણની કામગીરી ચાલુ છે.

આગામી દિવસોમાં પણ તીડ જ્યાં જ્યાં જોવા મળશે ત્યાં તમામ પ્રકારના સંસાધનોનો ઉપયોગ કરી તીડ નું નિયંત્રણ કરી લેવામાં આવશે. આગામી ત્રણ દિવસમાં બનાસકાંઠામાંથી તીડનો ખાત્મો થઇ જવાની આશા પણ સરકાર દ્વારા વ્યકત કરવામાં આવી હતી. અધિક મુખ્ય સચિવે ઉમેર્યુ કે, ખેતીવાડી વિભાગની ફિલ્ડની ટીમો દ્વારા તીડની હાજરી અંગે સતત ટ્રેકિંગ કરવામાં આવે છે અને રાત્રે જ્યાં તીડનું ઝૂંડ સેટલ થાય તેનું લોકેશન ભારત સરકારની લોકસ્ટ કંટ્રોલ ટીમને આપવામાં આવે છે. જેથી વહેલી સવારે દવાનો છંટકાવ કરી તેનું નિયંત્રણ કરવામાં આવે છે.

દિવસ દરમિયાન તીડ ઉડતા હોય છે જેથી આ સમયે તેનું નિયંત્રણ કરવું શક્ય બનતું નથી. રાત્રીના સમયે તેઓ બેસી જાય છે પરંતુ રાત્રિના સમયે તીડ દ્વારા તેના શરીર પરના છિદ્રો સંકોચી લેવામાં આવે છે અને શ્વસન ક્રિયા ધીમી હોય છે જેથી રાત્રિના સમયે દવા છંટકાવ કરવામાં આવે તો અસરકારક નિયંત્રણ મેળવી શકાતું નથી. આથી સવારે પાંચથી છ વાગ્યા આસપાસ દવા છંટકાવ કરવાની શરૂઆત કરાઇ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.