તું મમ્મીના ઘરે જઈશ તો હું મરી જઈશ નહિ તો તને મારી નાખીશ
અમદાવાદ: શહેરના એક પોલીસ સ્ટેશનમાં એક મહિલાએ તેના પતિ સામે ફરિયાદ નોંધાવી છે. પતિની રિક્ષાના હપ્તા ભરવા માટે આ યુવતી નોકરી કરતી હતી અને હપ્તા પણ ભરતી હતી. તેમ છતાંય પતિ તેને ત્રાસ આપતા તેને મમ્મીના ઘરે જવાનું નક્કી કરી લીધું હતું. પોતાની માતાના ત્યાં જવાની વાત પતિને કરતા પતિએ આવેશમાં આવીને ‘જાે તું તારી મમ્મી ના ઘરે જઈશ તો મારુ ગળું કાપીને મરી જઈશ નહિ તો તને મારી નાખીશ’ તેવી ધમકી આપી હતી.
શહેરનાં જુહાપુરામાં રહેતી ૨૬ વર્ષીય યુવતી સ્વસ્તિક ચાર રસ્તા પાસે એક હાૅસ્પિટલમાં ડોનર પેશન્ટની એજન્ટ તરીકે કામ કરે છે. વર્ષ ૨૦૦૧માં આ યુવતીના લગ્ન થયા હતા પણ પતિ સાથે મનમેળ ન રહેતા તેણે છૂટાછેડા લીધા હતા. બાદમાં વર્ષ ૨૦૧૬માં યુવતીએ પ્રેમ લગ્ન કર્યા હતા. તેનો પતિ રિક્ષા ડ્રાઇવિંગ કરતો હતો અને યુવતી નોકરી કરતી હતી.
લગ્નના ત્રણેક માસ બાદ નાની ઘરકામની બાબતોમાં પતિ તેની સાથે ઝગડો કરતો હતો. એક દિવસ યુવતી બીમાર હતી તો હાૅસ્પિટલ જવા માટે રૂપિયા માંગ્યા હતા. જેથી પતિએ આ રૂપિયા ન આપ્યા. રિક્ષાના હપ્તા પણ યુવતી ભરતી અને ચારેક હપ્તા પણ ભરી દીધા હતા. આ બાબતોને લઈને ઝગડા થતા હતા ત્યારે યુવતી પણ કંટાળી અને કહ્યું કે, રિક્ષાના હપ્તા અને ઘરનું ભાડું ભરીને તે થાકી છે.
જેથી યુવતીએ ભાડાનું ઘર ખાલી કરી તેની માતા ના ઘરે જતી રહેવાનું કહેતા પતિ આવેશમાં આવી ગયો હતો. પતિએ પત્નીને ધમકી આપી કે ‘જાે તું તારી મમ્મી ના ઘરે જઈશ તો મારુ ગળું કાપીને મરી જઈશ નહિ તો તને મારી નાખીશ’. આટલું કહી માર પણ માર્યો હતો. જેથી મહિલાએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ આપતા વેજલપુર પોલીસે તપાસ હાથ ધરી છે.