Western Times News

Gujarati News

તુર્કીમાં મળી આવી સોનાની ખાણ: કેટલાય દેશની GDP કરતા પણ વધારે કિંમતનો છે ખજાનો

અંકારા, તુર્કીમાંથી ૯૯ ટન સોનાનો જથ્થો મળ્યો છે. આ જથ્થો લગભગ છ અબજ ડોલર કરતાં પણ વધારે હોવાનો અંદાજ છે. તુર્કીમાં સોનાનો જથ્થો મળી આવ્યો છે તે ઘણાં દેશોના જીડીપી કરતાં પણ વધારે છે. આ સોનું તુર્કીના અર્થતંત્રને ખૂબ જ મદદરૃપ બનશે. લગભગ બે વર્ષમાં આ સોનાની ખાણમાંથી જથ્થો મળતો થઈ જશે.

તુર્કીમાં અંદાજે છ અબજ ડોલરની કિંમતનો ૯૯ ટન સોનાનો જથ્થો મળી આવ્યો છે. તુર્કીના એગ્રીકલ્ચર ક્રેડિટ કોઓપરેટિવના પ્રમુખ ફહરેન્ટીન પોયરાઝ નામના માણસના પ્રયાસોથી આ જથ્થો મળ્યો છે. ૯૯ ટન સોનાના જથ્થામાંથી બે-એક વર્ષમાં થોડોક હિસ્સો બહાર નીકળશે.

તુર્કીમાં સોનાનો આટલો મોટો જથ્થો મળી આવ્યો એ જાહેર થયા પછી તુર્કી સ્ટોક એક્સચેન્જમાં ૧૦ ટકાનો નોંધપાત્ર ઉછાળો આવ્યો હતો. તુર્કીના અર્થતંત્રને વેગવંતુ બનાવવામાં આ સોનાનો જથ્થો ખૂબ જ ઉપયોગી નીવડશે. સોનાનો જથ્થો તુર્કીના સેન્ટ્રલ-વેસ્ટ સોગુટમાંથી મળ્યો છે.

સોનાના આ જથ્થાની જેટલી કિંમત આંકવામાં આવી છે, તે કેટલાય દેશોની જીડીપી કરતાં પણ વધારે છે. જેમ કે માલદિવ્સની જીડીપી ૪.૮૭ અબજ ડોલર છે. બાર્બાડોઝ, ગ્યુઆના, મોન્ટેનીગ્રો, લેસોથો જેવા કેટલાય દેશોની જીડીપી છ અબજ ડોલર કરતાં ઓછી છે.

ઉલ્લેખનીય છે કે તુર્કીએ ૨૦૨૦માં ૩૮ ટન સોનાના જથ્થાનું ઉત્પાદન કરીને એક વર્ષમાં સૌથી વધુ સોનાના ઉત્પાદન કરવાનો રેકોર્ડ બનાવ્યો છે. ઉર્જા મંત્રી ફેથ ડોનમેઝે એક નિવેદનમાં કહ્યું હતું કે તુર્કીએ ૧૦૦ ટન સોનાના ઉત્પાદનનું  લક્ષ્ય બનાવ્યું હતું. હવે આગામી સમયમાં આ લક્ષ્યાંક પૂરો કરવાની દિશામાં પ્રયાસો કરાશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.