Western Times News

Gujarati News

તુર્કી અને ઈરાન બાદ હવે રશિયા પણ ઉતર્યુ પાક પીએમ ઈમરાનના સમર્થનમાં

નવી દિલ્હી, સત્તા ગુમાવવાના સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાનખાનને હવે ઈરાન, તુર્કી બાદ રશિયાનો પણ સાથ મળ્યો છે.

ઈમરાનખાને પાકિસ્તાનમાં ચાલી રહેલી રાજકીય હલચલ વચ્ચે આક્ષેપ કર્યો હતો કે, અમેરિકા પાકિસ્તાનના આંતરિક મામલામાં દખલ કરી રહ્યુ છે અને મેં અમેરિકાનો આદેશ માનવાનો ઈનકાર કર્યો હોવાથી અમેરિકા મારી સરકાર ગબડાવવા માટે પ્રયાસ કરી રહ્યુ છે.

આ નિવેદન પાદ રશિયાએ કહ્યુ છે કે, ઈમરાખાનને અમેરિકા સજા કરવા માંગે છે. રશિયા પાકિસ્તાનની સંસદને ભંગ કરવાના મામલા પર નજર રાખી રહ્યુ છે.

ઈમરાનખાને રશિયાની મુલાકાત લેવાની જાહેરાત કરી ત્યારથી અમેરિકા અને તેના સમર્થક દેશોએ ઈમરાનખાન પર દબાણ કરવાનુ શરૂ કરી દીધુ હતુ.

રશિયાના પ્રવકતાએ કહ્યુ હતુ કે, ઈમરાનખાન રશિયા પહોંચ્યા ત્યારે અમેરિકન અધિકારી લૂએ તાત્કાલિક પાકિસ્તાનના અમેરિકા સ્થિત રાજદૂતને ફોન કરીને પાક પીએમ ઈમરાનખાનને રશિયાથી પાછા ફરવા માટે કહ્યુ હતુ. જોકે ઈમરાખાને અમેરિકાની વાત માનવાનો ઈનકાર કરી દીધો હતો.

રશિયન પ્રવક્તાના કહેવા પ્રમાણે હવે એ વાતમાં કોઈ શંકા નથી કે, અમેરિકા ઈમરાખાનને પાઠ ભણાવવા માંગે છે. એક સ્વાયત્ત દેશની વિદેશ નીતિમાં અમેરિકા પોતાના સ્વાર્થ માટે ચંચૂપાત કરવાની શરમજનક હરકત કરી રહ્યુ છે.

દરમિયાન પાકિસ્તાનના વિદેશ મંત્રીએ પણ એક નિવેદનમાં કહ્યુ હતુ કે, તુર્કી પણ ઈચ્છી રહ્યુ છે કે, ઈમરાનખાન સરકાર પોતાનો કાર્યકાળ પુરો કરે.

જયારે ઈરાને પણ કહ્યુ છે કે, પાકિસ્તાનમાં વિદેશી સત્તા હસ્તક્ષેપ ના કરે તે આપણે જોવુ પડશે અને અમે પાકિસ્તાનના ઘટનાક્રમ પર નજર રાખી રહ્યા છે.

જોકે ઈમરાખાને પોતાના વલણમાં બદલાવનો સંકેત આપીને સોમવારે કહ્યુ હતુ કે, હું અમેરિકા વિરોધી નથી અને પરસ્પરના સન્માનના આધારે અમેરિકા સાથે મજબૂત સબંધ ઈચ્છું છું.માત્ર પાકિસ્તાનના સાર્વજનિક હિતની વાત હોય ત્યારે કોઈ દેશ હસ્તક્ષેપ ના કરે તેટલુ જ ઈચ્છું છું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.