Western Times News

Gujarati News

તૂટતો પરિવારઃ થોડુ મેળવવા ઘણુ ગુમાવતા નહી, પરિવારને તોડતા નહી પણ જોડજો

આજના યુગમાં વહેમ શું કરી શકે છે તેવી દિલને સ્પર્શતી હકીકત

મોટા બનવા માટે જાતને ઘસવી પડે છે: મન મોતી અને કાચની તિરાડ રહી જાય છે પણ હૃદયથી સંધાતી નથી. આજે સવારથી જ મને વિખરાઈ ગયેલ અમારુ સંયુક્ત પરિવાર યાદ આવતુ હતું, એ સવારો કેવી પડતી હતી બધા સાથે ચા લેતા, છાપુ વાંચી ચર્ચાઓ કરતા સવારે તો અમે બધાં સૌ સૌના કામે લાગી જતા પણ રાત્રિનું ભોજન તો સાથે જ હોય !

આજે ડાઈનીંગ ટેબલ ઉપર ત્રણ થાળીઓ જોઈ મારૂ મન દુઃખી થઈ જતુ એક વખત હતો ઘણી થાળીઓ એક સાથે વિશાળ ડાઈનીંગ ટેબલ ઉપર મુકાતી. એવુ તો ઘરમાં શું તોફાન આવ્યુ ? એવી તો ઘર ઉપર કોની નજર લાગી ગઈ ? એવી તો કેવી ગેરસમજ અંદરો અંદર થઈ ગઈ કે અમારો હસતો રમતો પરિવાર વિખરાઈ ગયો !

હું થોડો ભૂતકાળમાં જતો રહયો, પપ્પા પછી કોઈપણ નિર્ણય લેવો હોય પછી તે ઘર હોય કે બિઝનેસ મોટાભાઈનો નિર્ણય અંતિમ ગણાતો. મોટા ભાઈ-ભાભીને ઘરમાં બધાં માન અને આદર આપતા, એક આદર્શ પરિવાર તરીકે ગામ અને સમાજમાં અમારા ઘરનું નામ હતુ. પપ્પાએ બિઝનેસમાંથી નિવૃત થયા પછી મોટા ભાઈના વર્તનમાં ફેરફાર દરેક વ્યક્તિ નોંધ કરતી હતી. પણ બિઝનેસ ચલાવવામાં તકલીફ તરફ અમે બધાં બેધ્યાન હતા.

ભાઈઓમાં હું નાનો હતો. બધાં ભાઈઓ પરિવારવાળા હતા, પણ સંયુક્ત પરિવાર હોવાથી બધા સાથે રહેતા હતા દરેકના ખર્ચ અલગ-અલગ હોવાથી જયારે મોટાભાઈ પાસે હાથ ખર્ચીની વાત કરીએ ત્યારે બે-ત્રણ દિવસ તેઓ અમને ફેરવે પછી થોડુ સાચુ-ખોટુ સંભળાવી રૂપિયા આપે.

મહેનત તો અમે બધાં કરતા હતા તેવી ભાવના ધીમે ધીમે દરેકને થવા લાગી. એક વખત વચ્ચેના ભાઈએ મોટાભાઈ પાસે પ૦ હજાર રૂપિયા નવુ બાઈક લેવા માંગ્યા. મોટાભાઈએ કીધુ અત્યારે બિઝનેસ બરાબર ચાલતો નથી. જૂના બાઈકથી ચલાવો. તેમને ગમ્યુ નહિ પણ ત્યાંથી મૂંગા મોંઢે જતા રહયા.

એક દિવસ સાંજે ભાઈએ જયારે મોટાભાઈ અને ભાભીને સોની બજારમાં અમારા સોનીની દુકાને જોયા ત્યારે તેને મોટા ભાઈ અને ભાભી તરફ તેમને નફરત થઈ ગઈ. મારે બાઈક લેવુ છે તો રૂપિયા નથી.

બિઝનેસ ખોટમાં છે બહાના કાઢે છે અને અહીં મોટા ભાભી માટે સોનુ ખરીદવા આવ્યા છે. રાત્રે ઘેર આવી ભાઈ પપ્પાના રૂમમાં ગયા અને બધી વાતની જાણ કરી. ત્યાં મોટાભાઈ રૂમની અંદર આવી ગયા ચર્ચા થોડી ગરમી પકડી રહી હતી અમારી માંગણી હતી કે હવે અમે બધાં પણ મોટા થયા છીએ અમારે પણ પરિવાર છે વ્યક્તિગત જરૂરિયાત પણ હોય. વારંવાર રૂપિયા માટે ભીખ ના માંગીએ.

મોટાભાઈ શાંતિથી બધુ સાંભળતા હતા આરોપો ઉપર આરોપો થતા હતા એમાં ભાઈથી બોલાઈ ગયુ. તમારી પાસે બાઈક ખરીદવાના રૂપિયા નથી પણ સોનીની દુકાનેથી ભાભીનું સોનું ખરીદવા માટે રૂપિયા છે. વાહ મોટા ભાઈ ! બારણાં પાસે મોટા ભાભી ઉભા ઉભા બધુ સાંભળતા હતા તે વચ્ચે બોલવા ગયા પણ મોટાભાઈએ તેમને રોકી લીધા. પપ્પા પણ અમારા ઉપર ગરમ થઈ બોલ્યા ‘તમે ભેગા થઈનું શું બોલો છો ?’તમને લોકોને ભાન નથી. તમારી એક નાની આશંકાના બીજ સમગ્ર પરિવાર અને બિઝનેસને હતુ નહતુ કરી દેશે.

પપ્પાએ મોબાઈલ હાથમાં લીધો અને સોનીને તાત્કાલિક અમારા ઘરે બોલાવ્યા. (અમારા પરિવારની સોનાની ખરીદી ત્યાંથી જ થાય છે.) સોની થોડીવારમાં ઘેર આવી ગયા. હવે વાત વધી ગઈ હતી. સમગ્ર પરિવાર પપ્પાના બેડરૂમમાંં ભેગુ થયુ હતુ પણ મોટાભાઈ જાણે ખાનદાની સાચવી હોય તેમ એક પણ શબ્દ બોલ્યા વિના નીચુ મોઢું રાખી પપ્પાની બાજુમાં જ બેઠા રહયા. પપ્પાએ સોનીને અમારા સમગ્ર પરિવાર સામે પૂછ્યુ કે, આ મોટા ભાઈ તમારી દુકાને કેમ આવ્યો હતો ? જરા વિગતે બધાંને જણાવો.

સોની બોલ્યા, બિઝનેસ ઘણાં સમયથી ખોટમાં ચાલતો હોવાથી રૂપિયા રપ લાખના મોટા ભાભીના ઘરેણાં તેઓ ગિરવે મૂકવા અમારે ત્યાં આવ્યા હતા. રૂમની અંદર સોંપો પડી ગયો અમારી પાસે બોલવા માટે કોઈ શબ્દ નહોતા હવે અમારા માથા શરમથી ઝુકી ગયા હતા.

મોટાભાઈ અને ભાભી આંખમાં પાણી સાથે મૂંગા મોં એ રૂમની બહાર નીકળી ગયા.
પપ્પાએ અમારી સામે જોઈને કીધુ શંકાનું સમાધાન થઈ ગયુ હોય તો બધાં જ અહીંથી બહાર ચાલ્યા જાઓ. બધાંની હાજરીમાં સોની બોલ્યા તેમને (મોટાભાઈ- ભાભીએ) એવુ કીધુ હતુ કે આ રૂપિયામાંથી પ્રથમ મારા નાનાભાઈનું બાઈક છોડાવવુ છે તેની નવા બાઈકની ઈચ્છા છે સોનીની વાત સાંભળી ભાઈની આંખમાંથી પણ આંસુ નીકળવા લાગ્યા. મેં મોટાભાઈ અને ભાભીને સમજવાની ઘણી મોટી ભૂલ કરી દીધી છે.

પપ્પા બોલ્યા સાંભળો બધાં જિંદગીમાં ખાલી મોટા કહેવાથી મોટા નથી બની જવાતુ. વિશ્વાસ જીતવો પડે છે ઘણુ બધુ જતુ કરવુ પડે છે.

પરિવારની આબરૂ માટે ઘસાઈ જવુ પડે છે તમારા મોટા ભાઈ ઉપર વિશ્વાસ અને માન મને એટલે છે કે તમારી ‘મા’ મરી ગઈ પછી હુ તો માનસિક રીતે તૂટી ગયો હતો આ તમારા મોટાભાઈએ સપોર્ટ અને લાગણીથી જ પરિવાર અને બિઝનેસ આજે ટકી રહયો છે. આ તમારી મોટી ભાભી પણ પરણીને આવી ત્યારે ઘરમાં કોઈ લેડીઝ ન હતી તમને બધાંને ‘મા’ની હૂંફ અને પ્રેમ આપી અંધકારરૂપી ઘરમાં રોશની ફેલાવી હતી.

બેટા, તમે બધાં જ એક વાત સમજી લેજો. આદર અને માન મેળવવા ઘસાઈ જવુ પડે છે. તમારી ઈચ્છાઓ દબાવી દેવી પડે છે. મારી મુશ્કેલીમાં ખભે હાથ મૂકીને ચાલ્યો છે તમારો મોટો ભાઈ. હું એકલો છુ એવો તેણે મને કદી અહેસાસ પણ થવા દીધો નથી આરોપો લગાવતા પહેલાં સત્યને સમજતા શીખો. બાકી યાદ રાખજો. મન મોતી અને કાચ એકવાર તૂટે પછી તિરાડ તો રહી જ જાય છે, અમે બધાં શરમ સાથે રૂમની બહાર નીકળી ગયા.

બીજા દિવસે સવારે મોટાભાઈ અને ભાભીની માફી માંગવા અમે બધાં તેમના રૂમમાં ગયા તો ત્યાં મોટાભાઈ અને ભાભી નહોતા. પપ્પાને પૂછયુ તો તેમણે ધી. થોડો વખત માટે તેઓ જાત્રાએ ગયા છે અને કહેતા ગયા છે હવે હું બિઝનેસ કે પરિવારને ચલાવવા માટે અસમર્થ છુ. આજથી મારા તમામ હક્ક હું ઘર અને બિઝનેસ જતા કરુ છુ સાથે બિઝનેસમાંથી સ્વૈચ્છિક નિવૃતિ લઉ છુ. મારી એક ભાઈ તરીકેની ફરજમાંથી હું કદી પણ નિવૃત નહી થાઉ તેમ મારા નાના ભાઈઓને મારા તરફથી કહી દેજો. પપ્પાએ મોટાભાઈનો પત્ર અમારા હાથમાં મુક્યો અને બોલ્યા હવે તમે બધાં જ મુક્ત છો. બિઝનેસ ચલાવો કે બંધ કરવો એ તમારો પોતાનો અંતિમ નિર્ણય ગણાશે.

પપ્પા બોલ્યાઃ આજે મારો અંતિમ નિર્ણય પણ સાંભળી લો. હવે તૂટેલા મન અને હૃદયથી પરિવાર તરીકે સાથે કદી રહી શકાય નહી મારી મિલકતના ચાર ભાગ કરુ છુ હવે તમે બધા અલગ થઈ પોતાની જિંદગી પોતાની રીતે જીવી શકો છો. આજે ડાઈનીંગ ટેબલની ખુરશી પર ભીની આંખે બેઠો બેઠો ગુમાવેલા સમય અને વ્યક્તિને હું શોધી રહયો હતો.

બોધપાઠ
આજના આધુનિક યુગમાં નવી આવેલ અને કહેવાતી ફેશનેબલ શિક્ષિત વહુઓ તથા દિકરીઓ થોડુ મેળવવા ઘણુ ગુમાવતા નહી પરિવારને તોડતા નહી પણ જોડજો. સંયુક્ત પરિવાર ટકેલા છે તેવા તમામ પરિવાર અને કુટુંબના સભ્યો માટે આ વાર્તા ગંભીર શીખ આપી જાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.