તેજસ્વી-તેજ વચ્ચે લડાઈ: તેજ પ્રતાપને રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવો : ભાજપ
નવીદિલ્હી: રાષ્ટ્રીય જનતા દળના સુપ્રીમો લાલુ પ્રસાદના બંને દીકરા તેજસ્વી અને તેજપ્રતાપ વચ્ચે વર્ચસ્વની લડાઈના સમાચારો અંગે ભાજપે ટીખળ કરી છે. ભાજપે આરજેડીને સલાહ આપતા કહ્યું કે, તેજ પ્રતાપને કમસેકમ પાર્ટીનો રાષ્ટ્રીય અધ્યક્ષ તો બનાવી દો.
ભાજપના નેતા અરવિંદ કુમાર સિંહે જણાવ્યું કે, લાલુ પ્રસાદ યાદવે તેજ પ્રતાપ સાથે અન્યાય કર્યો છે અને મોટો દીકરો હોવાના નાતે તેમને જ બિહાર વિધાનસભામાં નેતા પ્રતિપક્ષ બનાવવો જાેઈતો હતો.
અરવિંદ કુમાર સિંહે જણાવ્યું કે, તેજ પ્રતાપ બિહારની જનતાને પોતાની સંપત્તિ સમજે છે અને આ કારણે તેમને જ નેતા પ્રતિપક્ષ બનાવવા જાેઈતા હતા પરંતુ લાલુ પ્રસાદ યાદવે તેના સાથે અન્યાય કર્યો છે. ભાજપના નેતાએ આરજેડીને સલાહ આપતા કહ્યું કે, લાલુ પ્રસાદ તેજ પ્રતાપ સાથે ન્યાય કરવા માટે હવે તેને આરજેડીનો રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવે અથવા પછી પોતાની મોટી દીકરી મીસા ભારતીને જ પાર્ટીની રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવી દે.
ભાજપના પ્રવક્તા અરવિંદ કુમાર સિંહે જાેકે તેજ પ્રતાપના એ નિવેદનની નિંદા પણ કરી છે જેમાં તેમણે આરજેડીના પ્રદેશ અધ્યક્ષ જગદાનંદ સિંહને હિટલર કહ્યા હતા. તેજ પ્રતાપે કહ્યું હતું કે, ‘જગદાનંદ સિંહ દરેક જગ્યાએ જઈને હિટલરની જેમ બોલે છે. પહેલા જ્યારે હું પાર્ટી કાર્યાલયમાં આવતો હતો
તે સમય અને હાલની સ્થિતિમાં આભ જમીનનો ફરક આવી ગયો છે. જ્યારે પિતાજી અહીં હતા ત્યારે પાર્ટીનો ગેટ હંમેશા ખુલ્લો રહેતો હતો પરંતુ તેમના ગયા બાદ અનેક લોકોએ મનમાની કરવી શરૂ કરી દીધી છે. ખુરશી કોઈના બાપની નથી.’ભાજપના પ્રવક્તાએ વધુમાં કહ્યું હતું કે, આરજેડીમાં વરિષ્ઠ નેતાઓની બેઈજ્જતી કરવાનો સિલસિલો જે લાલુ રાજમાં ચાલતો હતો તે આજે પણ ચાલુ છે.