તેજસ્વી યાદવએ કરી સગાઈઃ સામે આવી પહેલી તસવીર

નવી દિલ્હી, રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)ના પ્રમુખ લાલુ પ્રસાદ યાદવના નાના દીકરા અને બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવે સગાઈ કરી લીધી છે. તેજસ્વીએ એરહોસ્ટેસ રહી ચુકેલી એલેક્સિસ સાથે સગાઈ કરી છે. તેજસ્વી અને એલેક્સિસ બંને એકબીજાને 6 વર્ષથી ઓળખે છે અને જૂના મિત્રો છે.
જાણવા મળ્યા મુજબ સગાઈ બાદ આજે જ તેઓ બંને લગ્ન પણ કરી લેશે. પહેલા એવું સામે આવ્યું હતું કે, તેજસ્વી સગાઈ બાદ 2 મહિનાનો બ્રેક ઈચ્છે છે પરંતુ હવે સગાઈ અને લગ્ન બંને ગુરૂવારે જ થશે તેમ જણાવવામાં આવ્યું છે. દિલ્હીના સૈનિક ફાર્મ ખાતે સગાઈનો આ કાર્યક્રમ યોજાયો અને આ સૈનિક ફાર્મ તેમની બહેન મીસા ભારતીનું છે.
સૈનિક ફાર્મની બહાર અને અંદર સઘન સુરક્ષા વ્યવસ્થા હાથ ધરવામાં આવી છે. દરેક આવતી-જતી ગાડીનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને દરેક દરવાજે ગાડીની ડિટેઈલ્સ નોટ કરવામાં આવી રહી છે. આ સાથે જ અનેક બાઉન્સર્સ પણ તૈનાત કરવામાં આવ્યા છે.
જાણવા મળ્યા મુજબ અંદર મેઈન એન્ટ્રી પર 3 લેયરના સિક્યોરિટી ચેકઅપમાંથી પસાર થવું પડી રહ્યું છે. આ સાથે જ બાઉન્સર્સને સખત નિર્દેશ આપવામાં આવ્યા છે કે, કોઈ પણ મીડિયાકર્મી વેન્યુની આજુબાજુ ન ભટકે.
કોણ છે તેજસ્વીની દુલ્હન
તેજસ્વીની દુલ્હન એલેક્સિસ પહેલા એરહોસ્ટેસ તરીકે કામ કરતી હતી. તે દિલ્હીના વસંત વિહાર ખાતે રહે છે અને તેના પિતા ચંદીગઢની એક શાળાના પ્રિન્સિપાલ રહી ચુક્યા છે. જાણવા મળ્યા મુજબ તેજસ્વી અને એલેક્સિસ સતત મળતા રહેતા હતા અને તેમની મિત્રતાને 6 વર્ષ પૂરા થઈ ચુક્યા છે.
પ્રાપ્ત અહેવાલો પ્રમાણે લાલુ તેજસ્વીના આ નિર્ણયથી બિલકુલ ખુશ નહોતા અને તેઓ દીકરાથી ખૂબ જ નારાજ થઈ ગયા હતા. એલેક્સિસ ઈસાઈ પરિવારની હોવાથી લાલુને આ સંબંધ સામે વાંધો હતો. પરિવારના અન્ય સદસ્યોને ખબર પડ્યા બાદ કોઈ બીજું પણ તેમના પક્ષમાં નહોતું આવ્યું પણ આખરે લાંબી વાતચીત બાદ લાલુ અને પરિવારે તેજસ્વીની જિદ્દ સામે ઝુકવું પડ્યું.