તેજસ એકસપ્રેસ મોડી પડતા પેસેન્જરોને રૂ.૧૦૦નું વળતર ચૂકવવામાં આવશે
મુંબઇ, બુધવારે મુંબઈ સેન્ટ્રલ તરફ જતી અમદાવાદ-મુંબઈ તેજસ એકસપ્રેસ ૮૦ મિનિટ મોડી પડતા તેના ૬૩૦ જેટલા પેસેન્જરોને ૧૦૦ રૂપિયાનું વળતર ચૂકવવામાં આવશે. બપોરે ૧૨.૩૮થી બપોરે ૧.૩૦ વાગ્યા સુધી મીરા રોડ અને ભાયંદર વચ્ચે ઓવરહેડ ઈકિવપમેન્ટ (OHE)માં ટેકનિકલ ખામી સર્જાતા વેસ્ટર્ન રેલવે સર્વિસને અસર થઈ હતી. જેના કારણે, તેજસ એકસપ્રેસ સહિતની ચાર લાંબા-અંતરની ટ્રેનો મોડી પડી હતી. IRCTCના પબ્લિક રિલેશન ઓફિસરે (PRO)કહ્યું કે, ‘ઓવરહેડ ઈલેકિટ્રક વાયરમાં ટેકનિકલ ખામી સર્જાતા ટ્રેન મોડી પડી હતી. ટ્રેન ૭૫ મિનિટ કરતાં વધારે મિનિટ મોડી પડતા પેસેન્જરોને ૧૦૦ રૂપિયાનું વળતર મળશે. પૈસા મળે તે પહેલા પેસેન્જરોએ કલેમ રજૂ કરવો પડશે.
IRCTCના અંદાજ પ્રમાણે ૬૩૦ પેસેન્જર વળતર મેળવવાપાત્ર છે. પેસેન્જર ૧૮૦૦-૨૬૬-૮૮૪૪ પર કોલ કરીને અથવા [email protected] પર ઈ-મેલ કરીને તેમનો કલેમ રજિસ્ટર કરાવી શકશે. તેમણે ઈન્શ્યોરન્સ નંબરના સર્ટિફિકેટની સાથે PNR નંબર તેમજ કેન્સલ ચેક સબમિટ કરાવવો પડશે. માહિતી આપ્યાના એક દિવસની અંદર પ્રક્રિયા થઈ જશે. ટ્રેન એક કલાક કરતાં વધારે સમય માટે મોડી પડશે તો ૧૦૦ રૂપિયા અને બે કલાક મોડી પડી તો ૨૫૦ ચૂકવવામાં આવશે તેવી જાહેરાત પહેલા જ કરાઈ હતી.
તેજસ એકસપ્રેસને ૧૭ જાન્યુઆરીએ અમદાવાદથી લીલી ઝંડી અપાઈ હતી અને આ પહેલી વખત છે જયારે પેસેન્જરોને ટ્રેન મોડી પડતાં વળતર અપાઈ રહ્યું છે. ભારતીય રેલવેમાં તેજસ એકસપ્રેસ એકમાત્ર એવી ટ્રેન છે જે મોડી પડતાં પેસેન્જરોને વળતર આપે છે. IRCTC મુંબઈની ખાનગી ઈન્શ્યોરન્સ કંપની લિબર્ટી જનરલ ઈન્શ્યોરન્સ કંપની લિમિટેડના માધ્યમથી તેજસ એકસપ્રેસના પેસેન્જરોને વીમો પણ આપે છે. તેજસ એકસપ્રેસે અંધેરી સ્ટેશન પર હોલ્ટ પણ કર્યો હતો, કારણ કે કેટલાક પેસેન્જરોને ડર હતો કે ટ્રેન મોડી પડતાં તેમની ફ્લાઈટ મિસ થઈ જશે. PROએ કહ્યું કે, ‘આમ તો અંધેરી સ્ટેશન પર ટ્રેન ઉભી રહેતી નથી પરંતુ ફ્લાઈટ ચૂકી ન જવાય તે માટે કેટલાક પેસેન્જરોએ વિનંતી કરતાં બે મિનિટ માટે ટ્રેનને ત્યાં ઉભી રખાઈ હતી’.