તેલંગણાની ૮૪ ટકા મહિલાએ પતિ દ્વારા મારપીટને યોગ્ય ગણાવી

નવી દિલ્હી, મહિલાઓને સશક્ત બનાવવા માટે એકબાજુ એમના અધિકારોની વાત થઈ રહી છે. ઘરેલુ હિંસા માટેના કાયદાઓને વધારે આકરા બનાવવામાં આવી રહ્યા છે ત્યારે બીજી બાજુ નેશનલ ફેમિલી હેલ્થ સર્વેમાં ખૂબ જ ચોંકાવનારા ખુલાસાઓ થઈ રહ્યા છે.
આ સર્વે અંતર્ગત તેલંગાણા જેવા રાજ્યમાં ૮૩.૮ ટકા મહિલાઓએ પોતે જ સ્વીકાર્યું છે કે, પતિ દ્વારા તેમના સાથે મારપીટ કરવામાં આવે તે યોગ્ય છે. તે સિવાય કર્ણાટકના ૮૧.૯ ટકા પુરૂષોનું પણ આવું જ મંતવ્ય છે.
નેશનલ ફેમિલી હેલ્થ સર્વેએ ઘરેલુ હિંસા મુદ્દે જમ્મુ કાશ્મીર સહિત ૧૮ રાજ્યોની મહિલાઓ અને પુરૂષોનું મંતવ્ય જાણ્યું હતું. આ રાજ્યોમાં આસામ, આંધ્ર પ્રદેશ, બિહાર, ગોવા, ગુજરાત, હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર, કર્ણાટક, કેરળ, મહારાષ્ટ્ર, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, સિક્કિમ, તેલંગાણા, ત્રિપુરા અને પશ્ચિમ બંગાળનો સમાવેશ થાય છે.
સર્વેમાં મહિલાઓ અને પુરૂષોને સામેલ કરવામાં આવ્યા હતા. સૌને એક સામાન્ય પ્રશ્ન કરવામાં આવ્યો હતો કે, ‘શું તમારા મતે પતિ પોતાની પત્ની સાથે મારપીટ કરે તે યોગ્ય છે?’ આ સર્વેમાં અનેક પ્રકારની પરિસ્થિતિઓને પણ સામેલ કરવામાં આવી હતી.
તેમાં લખ્યું હતું કે, તમારા મતે પતિ ક્યારે પોતાની પત્નીને મારે તે યોગ્ય ગણાય- જાે તે કહ્યા વગર ઘરની બહાર જાય તો? જાે તે ઘર કે બાળકોની ઉપેક્ષા કરે તો? જાે તે તેમના સાથે વિવાદ કરે તો? જાે તે તેમના સાથે યૌન સંબંધ બાંધવાની મનાઈ કરે તો? જાે તે સરખી રીતે ભોજન ન બનાવે તો? જાે તે અન્ય કોઈ સાથે સંબંધમાં હોય તો? જાે તે સાસરિયાઓ પ્રત્યે અનાદરનો ભાવ રાખે તો?
વર્ષ ૨૦૧૯થી વર્ષ ૨૦૨૧ દરમિયાન આ સર્વે હાથ ધરવામાં આવ્યો હતો અને બુધવારે તેના પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા. તેમાં સૌથી વધારે તેલંગાણાની (૮૩.૮ ટકા) મહિલાઓએ પતિ તેમના સાથે મારપીટ કરે તેને યોગ્ય ગણાવ્યું હતું.
જ્યારે હિમાચલ પ્રદેશમાં આ સવાલ પર મહિલાઓની સહમતિ સૌથી ઓછી હતી. ત્યાં માત્ર ૧૪.૮ ટકા મહિલાઓએ ઘરેલુ હિંસાને યોગ્ય ગણાવી હતી. તે સિવાય સૌથી વધુ કર્ણાટકના (૮૧.૯ ટકા) પુરૂષોએ તેને વાજબી ગણાવ્યું હતું જ્યારે હિમાચલના માત્ર ૧૪.૨ ટકા પુરૂષોએ જ ઘરેલુ હિંસાને વાજબી ગણાવી હતી.
વર્ષ ૨૦૧૮માં પણ આ પ્રકારના સર્વેના પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા. તે સર્વે ૨૦૧૫થી ૨૦૧૬ દરમિયાન પૂરો થયો હતો. તેના પ્રમાણે ત્યારે ૫૨ ટકા મહિલાઓએ માન્યું હતું કે, પતિ પોતાની પત્નીને મારે તે યોગ્ય છે. જ્યારે માત્ર ૪૨ ટકા પુરૂષો આ સાથે સહમત થયા હતા.SSS