તેલંગણામાં સાસુએ જાણી જાેઈ વહુને કોરોનાનો ચેપ લગાવ્યો
સોશિયલ ડિસ્ટંન્સિંગ સાથે સેવા કરતી વહુને સાસુએ ગળે લગાવી ચેપ લગાવ્યા બાદ ઘરથી કાઢી મૂકી હોવાનો આક્ષેપ
હૈદરાબાદ: સાસ બહુની સિરિયલ જેવી જ એક ઘટનામાં સાસુએ વહુને પણ કોરોનાનો ચેપ લગાડી દીધો છે. સાસુએ આ હરકત જાણી જાેઈને કરી હોવાનો વહુનો આક્ષેપ છે. વહુનું કહેવું છે કે તે સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે પોતાની કોરોનાગ્રસ્ત સાસુની સેવા કરતી હતી. જાેકે, સાસુને તે પસંદ ના પડતાં તેમણે તેને જબરજસ્તી પોતાની નજીક બોલાવીને ગળે લગાવી દીધી હતી. કહાની આટલેથી પૂરી ના થઈ, વહુનું તો એમ પણ કહેવું છે કે જ્યારે તેને કોરોનાનો ચેપ લાગી ગયો ત્યારે તેને સાસુએ ઘરની બહાર ધકેલી દીધી હતી.
આ ઘટના છે તેલંગાણાના સોમરીપેટા ગામની. જેમાં સાસુની દાઝનો ભોગ બનેલી વહુ હાલ પોતાના પિયર રહીને કોરોનાની ટ્રીટમેન્ટ કરાવી રહી છે. એટલું જ નહીં, તેણે પોતાની સાસુ સામે ફરિયાદ પણ નોંધાવી છે. ૩૧મી મેના રોજ નોંધાવેલી ફરિયાદમાં તેણે જણાવ્યું હતું કે, સાસુએ તેને કોરોનાનો ચેપ લગાડવાના હેતુથી જ પોતાની નજીક બોલાવી ગળે લગાડી હતી. વહુએ કહ્યું હતું કે સાસુને કોરોના થયા બાદ તે તેમનાથી સોશિયલ ડિસ્ટન્સિંગ રાખતી હતી, જે સાસુને જરાય પસંદ નહોતું.
વહુ બે બાળકોને દાદીની નજીક પણ નહોતી જવા દેતી, અને પોતે પણ તેમને ડિસ્ટન્સ રાખીને જમવાનું આપતી હતી. જાેકે, કોરોનાથી પોતે બચવા તેમજ બાળકોને પણ બચાવવા માટે વહુ જે તકેદારી રાખતી હતી તેનાથી સાસુને પોતાની સાથે ભેદભાવ થતો હોય તેવું મહેસૂસ થતું હતું.
એટલું જ નહીં, સાસુ વારંવાર કંઈકનું કંઈક બોલીને મ્હેણા-ટોણાં મારતા હોવાનો પણ વહુનો આક્ષેપ છે. હાલમાં આ મહિલા પિયરમાં હોમ આઈસોલેશનમાં રહીને સારવાર કરાવી રહી છે. મહિલાનો પતિ ઓડિશામાં ટ્રેક્ટર ડ્રાઈવર તરીકે નોકરી કરે છે.
તેના લગ્ન ત્રણ વર્ષ પહેલા થયા હતા, અને છેલ્લા છ મહિનાથી તેનો પતિ ઓડિશામાં જ છે. જ્યારે મહિલા પોતાના સાસરિયા સાથે રહે છે. સ્થાનિક અધિકારીઓએ આ અંગે જણાવ્યું હતું કે, વૃદ્ધાને કોરોના થતાં જ વહુનું તેમના પ્રત્યેનું વર્તન બદલાઈ ગયું હોવાની તેમને આશંકા થઈ હતી. વહુ સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે સાસુની સેવા કરતી હતી, પરંતુ તેનાથી સાસુનો અહમ ઘવાયો હતો.