તેલંગણામાં ૧૬ મહિલાઓની હત્યા કરનાર સાઇકો કિલરની ધરપકડ
હૈદરાબાદ, તેલંગાણા પોલીસે એક સાઇકો સિરિયલ કિલરની ધરપકડ કરી છે. તાજેતરમાં બે મહિલાઓની હત્યા સંદર્ભે આરોપી એમ. રમુલુની બે હત્યા કેસમાં ધરપકડ કરવામાં આવી છે. આ પહેલા પોલીસ ૨૧ કેસમાં તેની ધરપકડ કરી ચૂકી છે. આ ૨૧ કેસમાં ૧૬ હત્યાના કેસ છે. જેમાંથી બે હત્યા કેસમાં તેને આજીવન કેદની સજા પણ ફટકારવામાં આવી છે. હાલ આરોપી પેરોલ પર બહાર હતો. તાજેતરમાં બે મહિલાઓની હત્યા બાદ પોલીસે હત્યારાને ઝડપવા માટે ખાસ ટીમ બનાવી હતી. ટીમને એક મૃત મળી આવેલી મહિલા પાસેથી એક ચીઠ્ઠી મળી હતી. આ ચીઠ્ઠીમાં લખેલા મોબાઇલ નંબરના આધારે પોલીસે આરોપી રમુલુ સુધી પહોંચી હતી.
મળતી માહિતી પ્રમાણે ૪૫ વર્ષીય રમુલુ મજૂરીકામ કરતો હતો. ૩૦મી ડિસેમ્બર, ૨૦૨૦ અને ૧૦ ડિસેમ્બર, ૨૦૨૦ના રોજ થયેલી બે મહિલાઓની હત્યા કેસમાં તેની ધરપકડ કરવામાં આવી છે. હૈદરાબાદ પોલીસ કમિશનર અંજની કુમારના જણાવ્યા પ્રમાણે, સિરિયલ કિલર રમુલુ મહિલાઓને જ નિશાન બનાવતો હતો. જે બાદમાં તે કિંમતી વસ્તુઓ લઈને ફરાર થઈ જતો હતો. મળતી માહિતી પ્રમાણે રમુલુ તેની સામે દાખલ મોટોભાગના કેસમાંથી છૂટી ગયો હતો. જાેકે, ચાર કેસમાં તે દોષિત છે. જેમાંથી બે કેસમાં તેને આજીવન કેદની સજા પડી છે. જ્યારે બે કેસ કોર્ટમાં પડતર છે.
પોલીસે વધુમાં જણાવ્યું હતું કે, રમુલુ જ્યારે ૨૧ વર્ષનો હતો ત્યારે તેના લગ્ન કરવામાં આવ્યા હતા. લગ્નના થોડા જ દિવસ બાદ તેની પત્ની કોઈ અન્ય પુરુષ સાથે ભાગી ગઈ હતી. જે બાદમાં રમુલુએ ગુનાખોરી શરૂ કરી દીધી હતી. તાજેતરમાં રુમુલુએ દારૂ અપાવવાની લાલચે બે મહિલાઓને તેની સાથે લઈ ગયો હતો. જે બાદમાં બંનેની અજાણી જગ્યા પર જઈને હત્યા કરી નાખી હતી.આ બંને કેસમાં હૈદરાબાદ પોલીસની ટાસ્ક ફોર્સ અને રચકોન્ડા પોલીસના સંયુક્ત ઑપરેશનમાં આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.
પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે, આરોપીએ ૧૬ મહિલાની હત્યા કરી છે. જેમાંથી મોટાભાગની મહિલાઓની માહિતી મળી શકી ન હતી. કારણ કે તેમની ઓળખ થઈ શકી ન હતી. પોલીસના કહેવા પ્રમાણે રમુલુ હૈદારાબાદના બોરાબન્દામાં રહેતો હતો. ભૂતકાળમાં તેની ૨૧ વખત ધરપકડ થઈ ચૂકી છે. જેમાંથી ૧૬ કેસ હત્યાના છે, જ્યારે ચાર કેસ ચોરીના છે.
આ ઉપરાંત એક કેસ પોલીસ કસ્ટડીમાંથી ભાગી જવાનો નોંધાયો છે. જેમાંથી બે કેસમાં તેને આજીવન કેદની સજા મળી છે. બાદમાં તેને પેરેલ પર છોડવામાં આવ્યો હતો.પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે, રમુલુ ૨૦૦૩ના વર્ષથી હત્યા અને ચોરીના ગુનાખોરીમાં સંડોવાયેલો છે. તેણે જે જે હત્યા કરી છે તે મહિલાઓ છે. પોલીસે વધુમાં એવું પણ જણાવ્યું હતું કે, રમુલુ શા માટે મહિલાઓને જ શિકાર બનાવતો હતો તે માહિતી તપાસ બાદ સામે આવશે. એવી માહિતી સામે આવી છે કે રમુલુ નિર્દોષ મહિલાઓને શિકાર બનાવતો હતો.
આધારભૂત સૂત્રોના જણાવ્યા પ્રમાણે જાન્યુઆરીના પ્રથમ અઠવાડિયામાં હૈદરાબાદ શહેરના બહારના વિસ્તારમાં એક મહિલાની લાશ મળી આવી હતી. આ લાશ અડધી બળેલી હતી. તેની સાડીના છેડામાં એક ચીઠ્ઠી હતી. આ ચીઠ્ઠીના આધારે પોલીસે આરોપોની ઓળખ કરી હતી. પોલીસને આ ચીઠ્ઠીમાં એક મોબાઇલ નંબર મળી આવ્યો હતો. જે બાદમાં પોલીસે માહિતી મેળવવા માટે તેના પર ફોન કર્યો હતો. જાેકે, જે વ્યક્તિએ ફોન ઉઠાવ્યો હતો તેની હત્યામાં કોઈ સંડોવણી ન હતી. પરંતુ તેણે જે વાત કરી હતી તેના પરથી પોલીસને કડી મળી ગઈ હતી અને પોલીસે સાઇકો કિલર સુધી પહોંચી હતી.HS