તેલંગણામાં ૧૬ મહિલાઓની હત્યા કરનાર સાઇકો કિલરની ધરપકડ
હૈદરાબાદ, તેલંગાણા પોલીસે એક સાઇકો સિરિયલ કિલરની ધરપકડ કરી છે. તાજેતરમાં બે મહિલાઓની હત્યા સંદર્ભે આરોપી એમ. રમુલુની બે હત્યા કેસમાં ધરપકડ કરવામાં આવી છે. આ પહેલા પોલીસ ૨૧ કેસમાં તેની ધરપકડ કરી ચૂકી છે. આ ૨૧ કેસમાં ૧૬ હત્યાના કેસ છે. જેમાંથી બે હત્યા કેસમાં તેને આજીવન કેદની સજા પણ ફટકારવામાં આવી છે.
હાલ આરોપી પેરોલ પર બહાર હતો. તાજેતરમાં બે મહિલાઓની હત્યા બાદ પોલીસે હત્યારાને ઝડપવા માટે ખાસ ટીમ બનાવી હતી. ટીમને એક મૃત મળી આવેલી મહિલા પાસેથી એક ચીઠ્ઠી મળી હતી. આ ચીઠ્ઠીમાં લખેલા મોબાઇલ નંબરના આધારે પોલીસે આરોપી રમુલુ સુધી પહોંચી હતી. મળતી માહિતી પ્રમાણે ૪૫ વર્ષીય રમુલુ મજૂરીકામ કરતો હતો.
૩૦મી ડિસેમ્બર, ૨૦૨૦ અને ૧૦ ડિસેમ્બર, ૨૦૨૦ના રોજ થયેલી બે મહિલાઓની હત્યા કેસમાં તેની ધરપકડ કરવામાં આવી છે. હૈદરાબાદ પોલીસ કમિશનર અંજની કુમારના જણાવ્યા પ્રમાણે, સિરિયલ કિલર રમુલુ મહિલાઓને જ નિશાન બનાવતો હતો. જે બાદમાં તે કિંમતી વસ્તુઓ લઈને ફરાર થઈ જતો હતો.
મળતી માહિતી પ્રમાણે રમુલુ તેની સામે દાખલ મોટોભાગના કેસમાંથી છૂટી ગયો હતો. જાેકે, ચાર કેસમાં તે દોષિત છે. જેમાંથી બે કેસમાં તેને આજીવન કેદની સજા પડી છે. જ્યારે બે કેસ કોર્ટમાં પડતર છે. પોલીસે વધુમાં જણાવ્યું હતું કે, રમુલુ જ્યારે ૨૧ વર્ષનો હતો ત્યારે તેના લગ્ન કરવામાં આવ્યા હતા.
લગ્નના થોડા જ દિવસ બાદ તેની પત્ની કોઈ અન્ય પુરુષ સાથે ભાગી ગઈ હતી. જે બાદમાં રમુલુએ ગુનાખોરી શરૂ કરી દીધી હતી. તાજેતરમાં રુમુલુએ દારૂ અપાવવાની લાલચે બે મહિલાઓને તેની સાથે લઈ ગયો હતો. જે બાદમાં બંનેની અજાણી જગ્યા પર જઈને હત્યા કરી નાખી હતી.આ બંને કેસમાં હૈદરાબાદ પોલીસની ટાસ્ક ફોર્સ અને રચકોન્ડા પોલીસના સંયુક્ત ઑપરેશનમાં આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.