તેલંગાણાના નલગોંડા ખાતે હેલિકોપ્ટર ક્રેશ, બે પાયલોટના મોત
હૈદરાબાદ, શનિવારે તેલંગાણાના નલગોંડા જિલ્લામાં હેલિકોપ્ટર ક્રેશની દુર્ઘટના બની હતી જેમાં 2 પાયલોટના મોત થયા છે. જાણવા મળ્યા મુજબ હેલિકોપ્ટર હવામાં બેકાબૂ બનીને ખેતરમાં ક્રેશ થયું હતું. દુર્ઘટના સમયે તેમાં એક પાયલોટ અને એક પ્રશિક્ષુ પાયલોટ સવાર હતા.
તેલંગાણા પોલીસ દ્વારા કરવામાં આવેલી પૃષ્ટિ પ્રમાણે દુર્ઘટનામાં એક પાયલોટનું મોત થયું હતું જ્યારે અન્યએ હોસ્પિટલમાં દમ તોડ્યો હતો. એક અહેવાલ પ્રમાણે પ્રશિક્ષુ પાયલોટ હેલિકોપ્ટર ચલાવી રહ્યો હતો. જોકે હજુ સુધી બંને પાયલોટની ઓળખ સામે નથી આવી. પોલીસ તેમાં સવાર લોકો અંગે જાણકારી મેળવવા માટે પ્રશિક્ષણ અકાદમીનો સંપર્ક કરી રહી છે.
જાણવા મળ્યા મુજબ તે વિમાન હૈદરાબાદની એક ઉડાન સંસ્થાનું હતું જે આંધ્ર પ્રદેશના નાગાર્જુન સાગર સ્થિત પોતાના બેઝ ખાતેથી પણ સંચાલિત થાય છે.
પેદ્દાવૂરા મંડલના તુંગતુર્થી ગામમાં પોતાના ખેતરમાં કામ કરી રહેલા ખેડૂતોને હેલિકોપ્ટર ક્રેશની જાણ થઈ હતી. તેમણે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને આગને કાબૂમાં લઈ પાયલોટને બચાવવા પ્રયત્ન કર્યા હતા. જોકે એક પાયલોટે ઘટના સ્થળે જ દમ તોડી દીધો હતો. પ્રત્યક્ષદર્શીના કહેવા પ્રમાણે, ‘અમે જોયું કે, વિમાન નાગાર્જુન સાગર તરફથી આવી રહ્યું હતું, દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું અને ખેતરમાં વિસ્ફોટ થયો. ત્યાં પહોંચ્યા ત્યારે અમે તેમાં શબ જોયા.’