તેલંગાણામાં એક જ સ્કુલની 288 વિદ્યાર્થિની કોરોનાથી સંક્રમિત

હૈદરાબાદ, દેશ અને દુનિયાએ કોરોનાની પહેલી અને બીજી લહેરમાં ખૂબ તબાહીનો સામનો કર્યો. જોકે, હવે કેસમાં ઘટાડાની સાથે થોડી રાહત મળી છે. પરિસ્થિતિમાં સુધારને જોતા સ્કુલ અને ઓફિસ પણ ખોલવામાં આવી રહ્યા છે પરંતુ તેલંગાણાથી આવેલી તાજેતરની જાણકારી ડરાવનારી છે. રવિવારે તેલંગાણાના ખમ્મમ જિલ્લાના સરકારી રેજીડેન્શિયલ સ્કુલની 288 વિદ્યાર્થિનીના કોરોના પોઝિટીવ આવવાથી સામૂહિક કોવિડ-19 સંક્રમણ સામે આવ્યુ છે.
વાયરસ ફેલાવવાની જાણકારી મળવા પર વિદ્યાર્થિનીઓના માતા-પિતા વિદ્યાલય પહોંચ્યા અને વહીવટીતંત્રને તેમની છોકરીઓને ઘરે મોકલવાની વિનંતી કરી. સ્વાસ્થ્ય વિભાગે શિક્ષકો સહિત તમામ સ્કુલી વિદ્યાર્થિનીઓ અને કર્મચારીઓના સામૂહિક કોવિડ ટેસ્ટ કરવાનો નિર્ણય લીધો છે. આ રેજિડેન્શિયલ સ્કુલમાં 575 વિદ્યાર્થી છે.
તેલંગાણાના સ્વાસ્થ્ય મંત્રી ટી.હરીશ રાવે જિલ્લા સ્વાસ્થ્ય અધિકારીઓને ફોન કર્યો અને સંક્રમિત વિદ્યાર્થિનીઓની સ્વાસ્થ્ય સ્થિતિ વિશે જાણકારી લીધી. તેમણે અધિકારીઓને શ્રેષ્ઠ ચિકિત્સા પ્રદાન કરવા અને કોરોના વાયરસના પ્રસારને રોકવા માટે યોગ્ય ઉપાય કરવાનો આદેશ આપ્યો. રવિવારે તેલંગાણામાં 103 કોવિડ કેસ નોંધાયા છે.
ઉલ્લેખનીય છે કે આ વર્ષે કોરોનાની બીજી લહેરમાં જે રીતે તબાહી મચી તેણે લોકોને હચમચાવી દીધા હતા. એવામાં એકવાર ફરી કોરોનાના કેસ વધવાના સમાચારથી રૂંવાડા ઊભા થઈ રહ્યા છે.
એક જ પરિવારના 8 લોકો સંક્રમિત
ઉત્તર પ્રદેશના નોઈડાથી આવેલી જાણકારી પણ ડરાવી રહી છે. નોઈડામાં કોરોનાના કેસ ફરીથી વધવા લાગ્યા છે. એક જ દિવસ એક જ પરિવારના છ સભ્યો સહિત કોરોનાના આઠ કેસ સામે આવ્યા છે. જેમાં બે વર્ષનુ એક બાળક પણ કોરોના સંક્રમિત છે.