તેલુગુ ફિલ્મ્સના કોમેડિયન વેણુ માધવનું 39 વર્ષની ઉંમરમાં નિધન
હૈદરાબાદઃ સાઉથ ઈન્ડિયન ફિલ્મ્સના કોમેડિયન વેણુ માધવનું માત્ર 39 વર્ષની ઉંમરમાં નિધન થયું હતું. છેલ્લાં થોડા સમયથી વેણુ માધવની તબિયત ખરાબ હતી. સાત સપ્ટેમ્બરના રોજ વેણુ માધવને હૈદરાબાદની યશોદા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. વેણુને કિડની તથા લીવરની બીમારી હતી.
લીવર ટ્રાન્સ્પ્લાન્ટ બાદ તબિયત બગડી ડોક્ટરની સલાહ પર 22 સપ્ટેમ્બરના રોજ હોસ્પિટલમાંથી લીવર ટ્રાન્સ્પ્લાન્ટ બાદ વેણુને રજા આપવામાં આવી હતી. જોકે, તબિયત ખરાબ થતાં ફરી વાર સિકંદરાબાદની એક હોસ્પિટલમાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતાં. આજે (25 સપ્ટેમ્બર) બપોરે 12.20 વાગે વેણુએ હોસ્પિટલમાં જ અંતિમ શ્વાસ લીધા હતાં. તેલુગુ દેશમ પાર્ટીના ચીફ તથા આંધ્ર પ્રદેશના પૂર્વ સીએમ ચંદ્રબાબુ નાયડુએ ટ્વીટ કરીને શોક વ્યક્ત કર્યો હતો.