તોડબાજી કરતા ચાર બોગસ પત્રકાર સામે ફરિયાદ

અમદાવાદ, મેડિકલ સ્ટોર પરથી ગર્ભપાત કરવાની ગોળી ખરીદીને કેમિસ્ટ પાસેથી લાખો રૂપિયાની માગણી કરીને તોડબાજી કરતા ચાર બોગસ પત્રકાર વિરૂદ્ધ સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. કેમિસ્ટ વિરૂદ્ધ કેસ કર્યા બાદ પત્રકારો તેમની પાસેથી રૂપિયાની માગણી કરીને હેરાન પરેશાન કરતા હતા અને મેડિકલ સ્ટોર બંધ કરાવવાની ધમકી આપતા હતા.
સાબરમતી વિસ્તારમાં આવેલ શાંતીદિપ ફ્લેટમાં રહેતા અને આર.કે. મેડિકલ દુકાન ધરાવતા પાર્થ પટેલે સાબરમતી પોલીસ સ્ટેશનમાં ન્યૂઝ ચેનલના પત્રકાર તરીકેની ઓળખ આપીને રવીન્દ્ર ગોહિલ અને જગદીશ સોલંકી તેમજ કિરણગીરી ગોસ્વામી સહિત ચાર લોકો વિરૂદ્ધ ફરિયાદ કરી છે.
તા.૨૧ના રોજ પાર્થ મેડિકલ સ્ટોર પર હાજર હતો ત્યારે એક યુવક ગર્ભપાતની ગોળી લેવા માટે આવ્યો હતો. પાર્થે ગોળી આપી દેતાં યુવકે પોતાની ઓળખ પત્રકાર રવીન્દ્ર ગોહિલ તરીકે આપી હતી અને તરતને તરત જગદીશ સોલંકી પણ ત્યાં આવી ગયો હતો.
બંને જણાએ ગેરકાયદે ગર્ભપાતની ગોળી વેચો છો તેમ કહીને એક લાખ રૂપિયાની માગણી કરી હતી. પાર્થે રૂપિયા આપવાનો ઇનકાર કરી દેતાં બન્ને પત્રકારે તરત જ પોલીસને જાણ કરી દીધી હતી. પોલીસ ઘટના સ્થળે આવી હતી અને પાર્થને પોલીસ સ્ટેશનમાં લઇ ગઇ હતી જ્યાં તેના વિરૂદ્ધ ગુનો દાખલ થયો હતો.
પાર્થ જામીન પર છૂટીને આવ્યા બાદ તેને પત્રકારોએ ગોતા બોલાવ્યો હતો અને ૪૧ હજાર રૂપિયા માગ્યા હતા અને છેલ્લા ૩૧ હજાર રૂપિયા લેવાનું નક્કી કર્યું હતું. પત્રકારે તેમના બોસ સાથે પાર્થની વાત કરાવી હતી અને બંને જણાએ એક હજાર રૂપિયા પડાવી લીધા હતા અને બાદમાં ૩૦ હજાર લેવા માટે દુકાન પર ગયા હતા. બંને પત્રકારો ૩૦ હજાર રૂપિયા લેવા માટે દુકાન પર પહોંચ્યા ત્યારે પોલીસે તેમની ધરપકડ કરી લીધી હતી.