તોફાની તત્વોની સંપત્તિ જપ્ત કરાશે : UP CM યોગી
નવી દિલ્હી: નાગરિક સુધારા કાનુનની સામે દેશના જુદા જુદા ભાગોમાં આજે હિંસક વિરોધ પ્રદર્શન થયા હતા. ઉત્તરપ્રદેશ, ગુજરાત, દિલ્હી સહિતના રાજ્યોમાં વિરોધ પ્રદર્શનનો દોર જારી રહ્યો હતો. દેશભરમાં જુદી જુદી જગ્યાઓમાં દેખાવો કરાયા હતા. મેટ્રો સ્ટેશનોને બંધ કરવાની ફરજ પડી હતી. કેટલીક જગ્યાએ વ્યાપક તોડફોડ પણ થઇ હતી. નાગરિક કાનૂનને લઇને થઇ રહેલા વિરોધ પ્રદર્શન વચ્ચે આજે બંધની હાકલ કરવામાં આવી હતી.
જેની ઘણી જગ્યાએ માઠી અસર થઇ હતી. ટેલિકોમ ઓપરેટરોને કેટલાક વિસ્તારમાં મોબાઇલ સેવા બંધ કરવા માટે દિલ્હી પોલીસે કહ્યું હતું. સાથે સાથે મોબાઇલ સેવા એટલે કે મોબાઇલ ઇન્ટરનેટ, એસએમએસ અને વોઇસ કોલની સેવા બંધ કરવામાં આવી હતી. ઉત્તરપ્રદેશમાં પણ ઘણી જગ્યાએ જારદાર દેખાવો કરવામાં આવ્યા હતા. પ્રતિબંધાત્મક આદેશો પણ જારી કરવામાં આવ્યા હતા.
વહીવટીતંત્ર તરફથી દેખાવ કરવાની કોઇને પરવાનગી અપાઈ નથી તેમ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું હતું. બીજી બાજુ બંગાળના કેટલાક ભાગોમાં પણ દેખાવો થયા હતા. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું છે કે, સ્થિતિ કાબૂમાં છે. તોફાની તત્વોની સંપત્તિને જપ્ત કરવામાં આવશે.