તોમરનો ઓપન લેટર દરેકને વાંચવા વડાપ્રધાનની અપીલ
નવી દિલ્હી: કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂતોના પ્રદર્શન વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમરના પત્રનું સમર્થન કર્યું છે. નરેન્દ્ર સિંહ તોમરે ગુરુવારે ખેડૂતોના નામે એક ઓપન લેટર લખ્યો અને કહ્યું કે દેશ વિરુદ્ધ કામ કરતા લોકો ખેડૂતોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. હવે પીએમ મોદીએ પણ ખેડૂતોને આ પત્ર વાંચવાની ખાસ ભલામણ કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે, ‘કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમરજીએ ખેડૂત ભાઈ બહેનોને પત્ર લખીને પોતાની ભાવનાઓ પ્રગટ કરી છે. એક વિનમ્ર સંવાદ કરવાનો પ્રયત્ન કર્યો છે.
તમામ અન્નદાતાઓને મારો આગ્રહ છે કે તેને જરૂર વાંચો. દેશવાસીઓને પણ આગ્રહ છે કે તેને વધુને વધુ લોકો સુધી પહોંચાડો. અત્રે જણાવવાનું કે આ અગાઉ કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમરે ખેડૂતોના નામે એક પત્ર શેર કરતા ટિ્વટર પર લખ્યું કે તમામ ખેડૂત ભાઈઓ અને બહેનોને મારો આગ્રહ! ‘બધાનો સાથ બધાનો વિકાસ બધાનો વિશ્વાસએ મંત્ર પર ચાલતા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં અમારી સરકારે કોઈ પણ ભેદભાવ વગર બધાનું હિત સાધવાનો પ્રયત્ન કર્યો છે. વિગત ૬ વર્ષનો ઈતિહાસ તેનો સાક્ષી છે.
ખેડૂતોના પ્રદર્શનના ૨૨માં દિવસે કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમરે ખેડૂતોના નામે ઓપન પત્ર લખ્યો. જેમાં તેમણે ખેડૂતોની ચિંતાઓ દૂર કરવાની કોશિશ કરી અને આ સાથે જ વિપક્ષનું મોહરું ન બનવા માટે સલાહ પણ આપી. તેમણે કહ્યું કે જે લોકોએ ૧૯૬૨ના યુદ્ધમાં દેશની વિચારધારાનો વિરોધ કર્યો, તે જ લોકો ખેડૂતોને પડદા પાછળ ગેરમાર્ગે દોરી રહ્યા છે. આજે તેઓ ફરીથી ૧૯૬૨ની ભાષા બોલે છે. કૃષિ કાયદા પર ફેલાવવામાં આવેલા જુઠ્ઠાણા પર સ્પષ્ટતા કરતા નરેન્દ્ર સિંહ તોમરે પોતાના પત્રમાં લખ્યું કે ‘કેટલાક લોકો ખેડૂતો વચ્ચે સતત જુઠ્ઠાણું ફેલાવી રહ્યા છે.
ખેડૂતોએ તેમની વાતોમાં ફસાવવું જાેઈએ નહી. છેલ્લા ૬ વર્ષમાં અમારી સરકારે ખેડૂતોનો નફો વધારવા માટે અને ખેતીને સરળ બનાવવા માટે અનેક પગલાં લેવાયા છે. તેનો ફાયદો નાના ખેડૂતોને મળી રહ્યો છે. પીએમ કિસાન સન્માન નિધિ દ્વારા છ હજાર રૂપિયા વાર્ષિક આપવાનો હેતુ પણ એ હતો કે આ ખેડૂતોને કરજ લેવું પડે નહીં. નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું કે કૃષિમંત્રી તરીકે મારા માટે એ ખુબ સંતોષની વાત છે કે નવા કાયદા લાગુ થયા બાદ આ વખતે એમએસપી પર સરકારી ખરીદીના ગત તમામ રેકોર્ડ તૂટ્યા છે. આવા સમયમાં જ્યારે અમારી સરકાર એમએસપી પર ખરીદી માટે નવા રેકોર્ડ બનાવી રહી છે, ખરીદ કેન્દ્રોની સંખ્યા વધી રહી છે, કેટલાક લોકો ખેડૂતોને જુઠ્ઠાણો કહી રહ્યા છે કે એમએસપી બંધ થઈ જશે.