ત્યાગ કરો તો તમે જ દેવ છો, દેવ કરતાં પણ વધારે !
દધીચિ નામના ઋષિએ વૃત્રાસુર રાક્ષસને મારવા માટે દેહત્યાગ કરીને પોતાનાં હાડકાં ઈદ્રને વજ્ર બનાવવા આપ્યાં હતાં. દધીચી ઋષી ગુજરાતમાં સાબરમતીને કિનારે હાલના વૌઠા પાસેની જગ્યાએ તપ કરતા હતા, એમ કહેવાય છે. આ દધીચિ ઋષીએ અશ્વિનીકુમારોને ઉપદેશ આપેલો અને તેથી ઈદ્ર તેમના પર ગુસ્સે થયેલો, દધીચી ઋષિનું માથું કાપીને અશ્વિનીકુમારોએ ઘોડાનું માથું ચોંટાડી આપ્યું હતું અને તે મુખ દ્વારા ઉપદેશ આપેલો. ઉપદેશના સમાચારથી ઈદ્ર ક્રોધે ભરાયો અને દધીચીનું ઘોડાના માથાવાળું મુખ કાપી નાંખ્યું અને ચાલ્યો ગયો. અશ્વિનકુમારોએ દધીચીનું અસલ માથું ત્યારપછી ચોંટાડી આપેલું.
કાળક્રમે વૃત્રાસુરનો વધ કરવા દધીચીનાં હાડકાંની જરૂર પડી. ઈન્દ્ર કયું મોઢું લઈને હાડકાં માગવા આવે ? આમ છતાં બીતાં બીતાં તે ગયો. દધિચીએ હસીને આવકાર આપ્યો અને ઈન્દ્રની પહેલાંની વર્તણુંક ભુલી જઈને હાડકાં આપીને દધીચીએ ત્યાગભાવના બતાવી છે. પોતાને હેરાન કરનાર ઈન્દ્રને વજ્ર બનાવવા હાડકાં આપ્યાં. ત્યાગ, સ્વાર્પણ કરી લોકહિતાર્થે દેહનો ત્યાગ કરવો એ જેવી તેવી વાત નથી. જીવવાનું કોને ન ગમે ? આ ત્યાગ કરનાર દધીચિ દેવો કરતાં પણ ઉચ્ચ છે. ઈન્દ્રની જીત થાય એમાં દધીચિને શો લાભ થવાનો હતો ? ઈન્દ્રાસન ગુમાવે તો દધીચીનાં છોકરાં કયાં ભૂખે મરવાનાં હતાં ? અને તેથી જ આ માનવ દધીચી દેવ કરતાં પણ મહાન છે. ત્યાગ કરો, લોકહિતાર્થે જીવન અર્પણ કરો તો તમે જ દેવ છો, દેવ કરતાં પણ વધારે !