ત્રણ અઠવાડિયાનું લોકડાઉન લગાવવા પર વિચાર કરો : કોર્ટ
પ્રયાગરાજ: ઉત્તરપ્રદેશથી મોટા સમાચાર આવી રહ્યા છે. અલાહાબાદ હાઈકોર્ટે વધતા કોરોના સંક્રમણને જાેતા રાજ્ય સરકારને લોકડાઉન સંબંધિત નિર્દેશ આપ્યા છે. કોર્ટે સરકારને કહ્યું કે વધુ સંક્રમિત જનપદોમાં બેથી ત્રણ અઠવાડિયાનું લોકડાઉન લગાવવા પર વિચાર કરવામાં આવે. આ નિર્દેશ જસ્ટિસ સિદ્ધાર્થ વર્મા અને જસ્ટિસ અજીતકુમારની પેનલે કોરોના અંગે થયેલી જનહિત અરજીની સુનાવણી પર આપ્યો. કોર્ટે માસ્કનું કડકાઈથી પાલન કરાવવાના નિર્દેશ આપ્યા છે. રસ્તાઓ પર માસ્ક વગરના લોકોના ટહેલવા પર પોલીસ વિરુદ્ધ કાર્યવાહી કરાશે.
કોર્ટે કહ્યું કે ધાર્મિક, સામાજિક આયોજનોમાં પચાસથી વધુ લોકો સામેલ ન થાય. કોર્ટે સરકારને ટ્રેકિંગ, ટેસ્ટિંગ અને ટ્રીટમેન્ટ યોજનામાં ઝડપ લાવવાના નિર્દેશ આપ્યા. આ સાથે જ શહેરોમાં ખુલ્લા મેદાનોમાં અસ્થાયી રીતે હોસ્પિટલો બનાવીને લોકોને સારવાર કરવાનું કહ્યું. કોર્ટે સુનાવણી દરમિયાન ટિપ્પણી કરતા કહ્યું કે નદીમાં તોફાન આવે ત્યારે બંધ તેને રોકી શકે નહીં,
આમ છતાં આપણે કોરોના સંક્રમણને રોકવા માટે પ્રયત્નો કરવા જાેઈએ. જીવન રહેશે તો દરબાર સ્વાસ્થ્ય લઈ શકશે. અર્થવ્યવસ્થા પણ ઠીક થઈ જશે. કોર્ટે કહ્યું કે ‘વિકાસ વ્યક્તિઓ માટે છે. જ્યારે લોકો જ નહીં રહે તો વિકાસનો શું અર્થ રહી જશે.
આ બાજુ લોકડાઉન અંગે કોર્ટે કહ્યું કે લોકડાઉન લગાવવું યોગ્ય નથી પરંતુ સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. જેને જાેતા સરકારે વધુ સંક્રમિતવાળા શહેરોમાં લોકડાઉન લગાવવા પર વિચાર કરવો જઈએ. સંક્રમણ ફેલાતા એક વર્ષ થઈ ગયું. આમ છતાં સારવારની સુવિધાઓ વધારી શકાઈ નથી. કોર્ટે રાજ્ય સરકારને ૧૧ એપ્રિલની ગાઈડલાઈનને કડકાઈથી પાલન કરાવવાના પણ નિર્દેશ આપ્યા છે. આ મામલે આગામી સુનાવણી હવે ૧૯ એપ્રિલે છે. ત્યાં સુધીમાં સચિવ સ્તરના અધિકારીને સોગંદનામું રજુ કરવા જણાવ્યું છે. આ દરમિયાન પ્રયાગરાજ સીએમઓ અને જિલ્લાધિકારીને કોર્ટમાં હાજર થવાનું કહેવાયું છે.